Loading Please Wait !!!
સુરત પાલિકાની મેટ્રો અને સિટકોને લાલ આંખ: બિનજરૂરી બેરિકેડ હટાવવા કડક આદેશ

  • તૂટેલા રસ્તા અને અધૂરી કામગીરી અંગે અધિકારીઓની ઝાટકણી કાઢી
  • એક સપ્તાહમાં કામગીરી સુધારવાની ચીમકી, સંયુક્ત સમીક્ષા બાદ લેવાશે પગલાં
  • રસ્તા અને ડ્રેનેજની મરામત માટે અધિકારીઓ પર સવાલોની ઝડી વરસાવી

સિટી ન્યુઝ @ સુરત

ચોમાસાના આગમનને ગણતરીના કલાકો બાકી છે ત્યારે સુરત શહેરમાં મેટ્રો અને સિટકોની અધૂરી કામગીરી નાગરિકો માટે માથાનો દુખાવો બની રહી છે. ગત વર્ષે વરસાદમાં ખાડા, પાણી ભરાવા અને ટ્રાફિકની સમસ્યાથી પીડાયેલા શહેરીજનોને આ વર્ષે પણ તેવી જ સ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે મ્યુનિસિપલ કમિશનર નાગરાજન, મેયર માયાબેન માવાણી અને સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મેટ્રો અને સિટકોના અધિકારીઓની અધૂરી કામગીરી સામે સવાલોની ઝડી વરસાવવામાં આવી હતી.

શાસકોએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે મેટ્રોની કામગીરી દરમિયાન નુકસાન પામેલી ડ્રેનેજ, પાણીની લાઈનો અને તૂટેલા રસ્તાઓનું સમારકામ હજુ સુધી પૂર્ણ થયું નથી. અધિકારીઓને ડામરના ઓર્ડર અને કામગીરીના ચોક્કસ સ્થળોની વિગતવાર માહિતી રજૂ કરવા તાકીદ કરાઈ હતી. ખાસ કરીને શહેરના મુખ્ય માર્ગો પર લગાવવામાં આવેલા બિનજરૂરી બેરિકેડિંગના મુદ્દે અધિકારીઓને ખખડાવવામાં આવ્યા હતા. જ્યાં કામ ચાલુ નથી, ત્યાંથી તાત્કાલિક અસરથી બેરિકેડ હટાવવા અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવા આદેશ અપાયા છે.

આગામી એક સપ્તાહ માટે ‘બિફોર અને આફ્ટર’ એટલે કે કામગીરી પહેલા અને પછીની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. એક સપ્તાહ બાદ મેયર, કમિશનર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા સંયુક્ત રાઉન્ડ યોજીને સ્થળ તપાસ કરવામાં આવશે. જો કોઈ એજન્સી પોતાની જવાબદારી નિભાવવામાં બેદરકારી દાખવતી જોવા મળશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરત પાલિકાની આ કડકાઈથી મેટ્રો અને સિટકોના અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને ત્વરિત કામગીરી શરૂ કરવામાં આવી છે.

પ્રિ-મોન્સૂન કામગીરી અને જવાબદારી

શહેરમાં વિકાસકામો જરૂરી છે, પરંતુ તે નાગરિકોના જીવના જોખમે કે રોજિંદા જીવનમાં અવરોધ રૂપ ન હોવા જોઈએ. મેટ્રો અને સિટકો જેવી એજન્સીઓએ પોતાની જવાબદારી સમજીને ચોમાસા પૂર્વેના કામો તાકીદે પૂર્ણ કરવા જોઈએ. સુરત પાલિકાનું આ વલણ આવકાર્ય છે, કારણ કે જવાબદારી નક્કી કરવાથી જ વિકાસકાર્યોમાં પારદર્શિતા અને ગતિ આવે છે. આગામી એક સપ્તાહ સુરતની રસ્તાઓની સ્થિતિ માટે નિર્ણાયક સાબિત થશે.