દશેરાના પાવન પર્વે સુરત-નવસારી કોરિડોરનું ખાતમુહૂર્ત
-
રાજ્ય સરકાર દ્વારા પ્રોજેક્ટ માટે વહીવટી મંજૂરી અપાઈ
-
દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોને મળશે ઝડપી માર્ગ જોડાણ
-
ચોર્યાસીના ધારાસભ્ય સંદિપ દેસાઈ દ્વારા કરાઈ હતી રજૂઆત
સિટી ન્યુઝ @ સુરત
રાજ્ય સરકાર દ્વારા સુરત-નવસારી હાઈસ્પીડ કોરિડોર માટે રૂપિયા 945.82 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે, જેનું ખાતમુહૂર્ત આગામી દશેરાના પાવન પર્વે કરવામાં આવશે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત સચિનથી નવસારીને જોડતા 14.3 કિ.મી. લાંબા માર્ગને હાલના 4 લેનમાંથી 6 લેનમાં અપગ્રેડ કરવામાં આવશે. આ ઉપરાંત, પલસાણા હાઈવે પર આલ્ફા હોટલથી સુડા બાયપાસ રોડ પર 1.9 કિ.મી. લાંબો એલિવેટેડ કોરિડોર પણ બનાવવામાં આવશે, જેના પાછળ માત્ર રોડ અને બાંધકામ પાછળ 638.57 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
પ્રોજેક્ટની માળખાકીય સુવિધાઓમાં મરોલી જંકશન પર ટ્રાફિક સમસ્યા હળવી કરવા નવો ફ્લાયઓવર, મીંઢોળા નદી પર એક મેજર બ્રિજ અને બંને જિલ્લાઓમાં કુલ 8 માઈનોર બ્રિજ બનાવવાનો સમાવેશ થાય છે. ચોર્યાસીના ધારાસભ્ય સંદિપ દેસાઈની રજૂઆતો બાદ હાથ ધરાયેલા આ પ્રોજેક્ટથી સ્થાનિક અને લાંબા અંતરના વાહનોનો ટ્રાફિક અલગ થઈ જશે.
સુરત અને નવસારી વચ્ચે અવરજવર કરતા નોકરિયાતો, વેપારીઓ અને વિદ્યાર્થીઓને આનાથી મોટો લાભ મળશે. 6 લેન માર્ગ અને એલિવેટેડ કોરિડોર બનવાને કારણે પીક અવર્સ દરમિયાન સર્જાતા ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે અને મુસાફરોના સમયમાં અંદાજે 20થી 30 મિનિટની બચત થશે.
આર્થિક અને માળખાકીય વિકાસ
દક્ષિણ ગુજરાતના આ પ્રમુખ કોરિડોરના આધુનિકીકરણથી ઔદ્યોગિક અને શહેરી વિસ્તારો વચ્ચેનો વ્યાપારિક વ્યવહાર વધુ વેગવાન બનશે. માર્ગ સલામતી અને સમયની બચતની સાથે આ પ્રોજેક્ટ પ્રદેશના સર્વાંગી વિકાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.