ઉનાની શાળામાં શરમજનક ઘટના: વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક સસ્પેન્ડ
- શિક્ષણ મંત્રીના કડક આદેશ બાદ આરોપી શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ
- પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ, આરોપી હરેશગિરી ગોસ્વામી ફરાર
- આચાર્યની ફરિયાદના આધારે પોલીસની કાર્યવાહી, આરોપીની શોધખોળ તેજ
સિટી ન્યુઝ @ ઉના
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળામાં એક અત્યંત શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ફરજ પરના એક શિક્ષકે ધોરણ-7 ના સગીર વિદ્યાર્થી પાસે વિદેશી દારૂ મંગાવ્યો હતો. આ ગંભીર બાબતને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ખૂબ જ ગંભીરતાથી લીધી છે. તેમણે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આરોપી શિક્ષક હરેશગિરી ગોસ્વામીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. મંત્રીએ ગીર સોમનાથના એસપી સાથે સીધી ટેલિફોનિક વાતચીત કરીને તપાસ ઝડપી બનાવવા અને આરોપી વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી છે.
ઘટનાની વિગત મુજબ, ગત 20 જૂન, 2026 ના રોજ આ શિક્ષકે વિદ્યાર્થીને રૂપિયા આપીને દારૂની બોટલ લેવા મોકલ્યો હતો. આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતાની સાથે જ આરોપી શિક્ષક શાળામાંથી ફરાર થઈ ગયો છે. શાળાના આચાર્ય મિલનગિરી ગોસ્વામીએ આ મામલે પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ) હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસ આરોપીને પકડવા માટે સઘન શોધખોળ કરી રહી છે.
આરોપી શિક્ષક હરેશગિરી ગોસ્વામી સામે અગાઉ પણ નશાની હાલતમાં શાળાએ આવવાના અને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાના ગંભીર આક્ષેપો થયા હતા. 4 માર્ચના રોજ પણ આ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક પગલાં લેવાયા ન હતા, જેને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓની ગરિમાને ઠેસ પહોંચાડી છે, ત્યારે વાલીઓ આ પ્રકારના તત્વો સામે કડકમાં કડક શિક્ષાત્મક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.