ગાંધીનગરમાં શિક્ષકોનું શક્તિપ્રદર્શન: TET પરીક્ષાના વિરોધમાં 30 હજાર શિક્ષકો મેદાને
- 2010 પહેલાના શિક્ષકોની TETમાંથી મુક્તિ મેળવવા માટે સરકાર સામે જંગ
- TET ફરજિયાત સામે વિરોધ: નોકરી બચાવવા હજારો શિક્ષકો સરકારને ઘેરશે
- 2010 પહેલાના શિક્ષકોને પરીક્ષામાંથી મુક્તિ મળે તેવી માંગ સાથે ધરણા
સિટી ન્યુઝ @ ગાંધીનગર
રાજ્યભરના શિક્ષકોમાં સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયને લઈને ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે, જેના પગલે આજે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ૩૦ હજારથી વધુ શિક્ષકો એકત્રિત થઈને ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. વર્ષ ૨૦૧૦ પહેલાં નિમણૂક પામેલા શિક્ષકો માટે TET પરીક્ષા પાસ કરવી ફરજિયાત બનાવતા આ આંદોલન તેજ બન્યું છે. શિક્ષકોનો દાવો છે કે જે સમયે તેમની ભરતી થઈ હતી, ત્યારે તે સમયના નિયમો મુજબ જ તેઓ યોગ્ય હતા, તેથી હવે તેમને આ પરીક્ષામાંથી મુક્તિ આપવી જોઈએ.
સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ, જે શિક્ષકોની નોકરીના ૫ વર્ષથી વધુ સમય બાકી છે, તેમના માટે TET પાસ કરવી અનિવાર્ય છે. જો તેઓ પરીક્ષા પાસ ન કરે, તો તેમણે ફરજિયાત નિવૃત્તિ અથવા રાજીનામું આપવું પડશે. આ નિયમ સામે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને અન્ય શૈક્ષિક સંઘોએ મજબૂત વિરોધ નોંધાવ્યો છે. અગાઉ ૩૩ જિલ્લાઓમાં થયેલા પ્રદર્શનો અને આવેદનપત્ર બાદ પણ માંગણી ન સંતોષાતા, આજે રાજ્યભરના શિક્ષકો ગાંધીનગર ખાતે સરકારને ઘેરવાની રણનીતિ સાથે પહોંચ્યા છે.
ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આજે શિક્ષકોનો મોટો કાફલો જોવા મળી રહ્યો છે. શિક્ષકોની માંગ છે કે સરકારે આ મામલે મધ્યસ્થી કરી ૨૦૧૦ પહેલાના શિક્ષકોને રાહત આપવી જોઈએ. આંદોલનકારી શિક્ષકોનું કહેવું છે કે વર્ષોની સેવા બાદ હવે આ પ્રકારનો નિયમ તેમના માટે અન્યાયી છે. હવે જોવાનું એ રહ્યું છે કે આ મોટા આંદોલન સામે સરકાર શું નિર્ણય લે છે અને શિક્ષકોની TET પરીક્ષામાંથી મુક્તિની માંગણી સ્વીકારાય છે કે નહીં.
TET પરીક્ષાનો વિવાદ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, તમામ કાર્યરત શિક્ષકોએ બઢતી કે નોકરી ચાલુ રાખવા માટે TET પાસ કરવી ફરજિયાત છે, માત્ર ૫ વર્ષથી ઓછો સમય બાકી હોય તેવા શિક્ષકોને જ રાહત અપાઈ છે. આ નિર્ણયથી ૨૦૧૦ પહેલાના અનુભવી શિક્ષકો ચિંતામાં છે, કારણ કે તેમની દાયકાઓની સેવા છતાં તેમણે ફરી પરીક્ષા આપવી પડશે. આ અન્યાય દૂર કરવા માટે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ સહિત વિવિધ સંઘો દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેમાં ૩૩ જિલ્લાના ૩૦ હજારથી વધુ શિક્ષકો પોતાની નોકરીની સુરક્ષા માટે સરકાર સામે લડત આપી રહ્યા છે.