પાલિતાણામાં સિંહણનું આતંકવાદી સ્વરૂપ: માલધારીને અડધો કલાક જડબામાં દબોચી રાખ્યો
-
-
ગરાજીયા ગામે સિંહણના હુમલાથી ફફડાટ, લોહીલુહાણ માલધારીને ભાવનગર સારવાર માટે ખસેડાયા
-
-
ગરાજીયા ગામમાં સિંહણનો આતંક, વન વિભાગની બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે રોષ
-
બાળકો શાળાએ જતા ડરે છે, વન વિભાગની ટીમ વિરુદ્ધ ગ્રામજનોએ ઉઠાવ્યો અવાજ
-
અડધા કલાક સુધી સિંહણના જડબામાં રહ્યો યુવાન, ઘટનાનો લાઈવ વીડિયો વાયરલ
સિટી ન્યૂઝ @ ભાવનગર
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરાજીયા ગામે આજે સવારે સિંહણે એક માલધારી પર જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં દહેશત ફેલાઈ ગઈ છે. કાળુભાઈ બોઘાભાઈ પરમાર નામના માલધારી પોતાના ગાયોને ઘાસચારો નાખવા જઈ રહ્યા હતા ત્યારે અચાનક સિંહણે તેમના પર હુમલો કર્યો હતો. સિંહણે પીઠ પર પંજો મારી તેમને પછાડી દીધા હતા અને ત્યારબાદ તેમના હાથને પોતાના જડબામાં મજબૂત રીતે જકડી લીધો હતો. આ ભયાનક દ્રશ્ય અડધા કલાક સુધી ચાલ્યું હતું, જેમાં માલધારી પોતાનો જીવ બચાવવા માટે સતત વલખા મારી રહ્યા હતા.
ઘટનાસ્થળે એકત્રિત થયેલા ગ્રામજનોએ સિંહણને ભગાડવા માટે જોરજોરથી બૂમો પાડી હતી અને પથ્થરમારો પણ કર્યો હતો, પરંતુ સિંહણ ડરવાનું નામ લેતી નહોતી. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરવા છતાં દોઢ કલાકે ટીમ પહોંચી હોવાનો આક્ષેપ કર્યો છે. ઈજાગ્રસ્ત કાળુભાઈને લોહીલુહાણ હાલતમાં પ્રથમ પાલિતાણા અને બાદમાં ગંભીર ઈજાઓ હોવાને કારણે વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. છેલ્લા 20 દિવસમાં સિંહણ દ્વારા હુમલાની આ ચોથી ઘટના હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ અને ભય જોવા મળી રહ્યો છે.
સ્થાનિક ગ્રામજનો અને આગેવાનોએ આકરા શબ્દોમાં વન વિભાગ પર લાપરવાહીનો આરોપ લગાવ્યો છે. પંચાયતના સભ્યો અને સરપંચના પ્રતિનિધિઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે છેલ્લા 5 વર્ષથી આ વિસ્તારમાં સિંહોની અવરજવર વધી છે, છતાં વિભાગ કોઈ સુરક્ષા વ્યવસ્થા કરતું નથી. સિંહણનો આતંક એટલો વધી ગયો છે કે ગરાજીયા ગામના અડધાથી વધુ બાળકો ભયના માર્યા આજે શાળાએ ગયા નથી. સ્થાનિકોએ વન વિભાગને સિંહોને તેમના હદ વિસ્તારમાં સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરવા અને ગામ લોકોને સુરક્ષા પૂરી પાડવા તાત્કાલિક માંગ કરી છે.
ગરાજીયામાં ફેલાયેલી દહેશત
ગરજીયા ગામમાં સિંહણના આતંકને કારણે લોકોમાં ફફડાટ છે. માલધારી કાળુભાઈ પર થયેલો હુમલો એ સાબિત કરે છે કે વન્ય પ્રાણીઓ હવે માનવ વસાહતોની નજીક આવી રહ્યા છે. સ્થાનિકોની સુરક્ષા અને બાળકોના શિક્ષણ પર પડેલી આ અસરને ધ્યાનમાં રાખીને વન વિભાગે તાત્કાલિક પગલાં લેવા અનિવાર્ય છે. પશુઓ બાદ હવે માણસો પર થતા હુમલા વન વિભાગની કાર્યક્ષમતા સામે સવાલો ઉભા કરે છે.