સુરતના વેપારીઓ પર બેવડો માર: પૂરના નુકસાન બાદ પાલિકાનો દબાણ હટાવવાનો ખેલ
- 1000 રૂપિયાની સાડી 50 રૂપિયામાં વેચવા મજબૂર, તંત્રની અમાનવીયતાથી આક્રોશ
- લક્ષ્મણ નગરમાં 3000 વેપારીઓને કરોડોનું નુકસાન, મદદને બદલે દબાણ હટાવવા પહોંચ્યું તંત્ર
- વરસાદી પાણીમાં માલ ગરકાવ થતા રોડ પર કૌડીના ભાવે વેચવા વેપારીઓ મજબૂર
સિટી ન્યુઝ @ સુરત
સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલા લક્ષ્મણ નગરમાં પડેલા ભારે વરસાદ અને પૂરના કારણે ૩૦૦૦થી વધુ સાડી અને ડ્રેસ મટીરીયલના વેપારીઓની આર્થિક કમર તૂટી ગઈ છે. દુકાનોમાં ૧ થી ૨ ફૂટ પાણી ભરાઈ જતા તહેવારોની સિઝન માટે ભરેલો લાખો રૂપિયાનો માલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વેપારીઓ હવે પોતાના ભીના થયેલા માલને નુકસાન વેઠીને માત્ર ૫૦ થી ૧૦૦ રૂપિયાના ભાવે વેચવા મજબૂર બન્યા છે. એક વેપારીએ રડતી આંખે જણાવ્યું હતું કે તેમની જિંદગીભરની કમાણી અને વ્યાજે લીધેલા નાણાંથી ભરેલો ૩૦ લાખનો માલ વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે.
સ્થાનિક વેપારીઓનો આરોપ છે કે છેલ્લા ૩ દિવસથી તેઓ સુરત મહાનગરપાલિકા (SMC) ને મદદ અને કચરાના નિકાલ માટે ફોન કરી રહ્યા છે, પરંતુ તંત્ર તરફથી કોઈ પણ પ્રકારનો પ્રતિસાદ મળ્યો નથી. સ્થાનિક કોર્પોરેટરોએ પણ પરિસ્થિતિની મુલાકાત લેવાની તસ્દી લીધી નથી. મુશ્કેલીના આ સમયમાં જ્યારે વેપારીઓને સહાયની જરૂર હતી, ત્યારે વરાછા ઝોનની ટીમે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરીને વેપારીઓના બોર્ડ અને અન્ય સામાન જપ્ત કરવાનું શરૂ કરતા આક્રોશ ફાટી નીકળ્યો હતો.
પાલિકાનું આ વલણ વેપારીઓ માટે અમાનવીય સાબિત થયું છે. વેપારીઓ કરગરતા રહ્યા છતાં કર્મચારીઓએ કોઈ દયા દાખવ્યા વગર સફાઈને બદલે માલ જપ્તીની કાર્યવાહી કરી હતી. કુદરતી આપત્તિમાં લાખોનું નુકસાન ભોગવ્યા બાદ હવે પાલિકાના આ વલણ સામે વેપારી આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓ તંત્રની આવી કામગીરી સામે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.
પૂરની તારાજી અને વેપારીઓની વેદના સુરતના લક્ષ્મણ નગરમાં પૂરને કારણે ૩૦૦૦થી વધુ દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે. તહેવારો માટે ભરેલો નવો માલ બચાવવા વેપારીઓ ૧૦૦૦ રૂપિયાની સાડી ૫૦ રૂપિયામાં વેચવા મજબૂર બન્યા છે. બીજી તરફ, પાલિકાએ કચરો ઉપાડવાને બદલે દબાણ હટાવવાની ઝુંબેશ ચલાવીને વેપારીઓના બોર્ડ અને સામાન જપ્ત કરતા લોકોમાં પાલિકાના અમાનવીય વલણ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.