અમદાવાદમાં ટ્રાફિકના એએસઆઈ (ASI) ૧૦ હજારની લાંચ લેતા એસીબી (ACB) ના હાથે ઝડપાયા!
-
રાણીપ વિસ્તારમાં થયેલા અકસ્માત કેસની તપાસ એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના એએસઆઈ કરી રહ્યા હતા.
-
લાંચ ન આપવી હોવાથી વકીલ દ્વારા એસીબી (ACB) નો સંપર્ક કરીને ગુપ્ત છટકું ગોઠવવામાં આવ્યું હતું.
-
શ્રીજી ચાયવાલાની દુકાને રૂપિયા સ્વીકારતી વખતે આરોપી એએસઆઈ મુકેશજી ઝડપાઈ ગયા હતા.
સિટી ન્યુઝ @ અમદાવાદ
અમદાવાદ, અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા તાજેતરમાં જ ટ્રાફિક પોલીસને દંડ ન વસૂલી માત્ર ટ્રાફિક નિયમન કરવા માટેની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે, છતાં ભ્રષ્ટાચારના કિસ્સા અટકવાનું નામ નથી લઈ રહ્યા. શહેરના કલેક્ટર કચેરીની બાજુમાં આવેલી ચાની દુકાનમાં અકસ્માત અંગેની અરજી દફતરે કરવાના બદલામાં ૧૦ હજાર રૂપિયાની લાંચ લેતા ટ્રાફિકના એએસઆઈ (ASI) મુકેશજી રાજપૂતને એસીબી (ACB) ની ટીમે રંગે હાથે ઝડપી લીધા છે. આ કેસમાં હવે પોલીસ સ્ટેશનના અન્ય કોઈ અધિકારી કે કર્મચારીની સંડોવણી છે કે કેમ તેની પણ ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાણીપ વિસ્તારમાં થયેલા એક અકસ્માત કેસની અરજીની તપાસ એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના એએસઆઈ મુકેશજી રાજપૂત કરી રહ્યા હતા. આ કેસમાં જેની વિરુદ્ધ અરજી થઈ હતી તે વકીલ સાથે ગયા ત્યારે એએસઆઈએ અરજીમાં કોઈ કાર્યવાહી ન કરી તેને દફતરે કરવા માટે ૧૦ હજાર રૂપિયાની લાંચ માગી હતી. વકીલ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત જ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબી દ્વારા કલેક્ટર કચેરીની નજીક આવેલા શ્રીજી ચાયવાલાની દુકાને છટકું ગોઠવવામાં આવ્યું હતું, જ્યાં આરોપી એએસઆઈ વકીલ પાસેથી નાણાં સ્વીકારતી વખતે પકડાઈ ગયા હતા.
એસીબીની કાર્યવાહી અને પારદર્શિતા
ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે જો કોઈ પણ સરકારી કર્મચારી લાંચ માગે તો તુરંત તેની જાણ કરવી, જેથી આવા તત્વો સામે કડક કાનૂની પગલાં લઈ શકાય.