ગિરનાર પર્વત પર કરુણ દુર્ઘટના: ૧૨ વર્ષના બાળકને સિંહ ખેંચી ગયો
- યાત્રા દરમિયાન પરિવારની નજર સામે સિંહ બાળક પર તરાપ મારી જંગલમાં ભાગ્યો
- શોધખોળ બાદ બાળકના કપડાં અને અવશેષો મળી આવ્યા, યાત્રિકોમાં ડરનો માહોલ
- અંધારામાં લાઈટની વ્યવસ્થાના અભાવે મોટી હોનારત, મુખ્ય સીડી પર અવરજવર બંધ
સિટી ન્યુઝ @ જૂનાગઢ
જૂનાગઢના પાવનકારી ગિરનાર પર્વત પર આજે વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના ઘટી છે, જેમાં મહેમદાવાદથી યાત્રાએ આવેલા એક પરિવારના ૧૨ વર્ષના બાળક મયુરસિંહ પર સિંહે તરાપ મારી હતી. પરિવાર જ્યારે ગિરનારના મુખ્ય ગેટથી આશરે ૫૦ પગથિયાં ઉપર પહોંચ્યો હતો, ત્યારે અંધારાનો લાભ લઈને સિંહ પાછળથી આવ્યો અને બાળકને મોંમાં દબાવીને ગણતરીની સેકન્ડોમાં જ ગીચ જંગલ તરફ ખેંચી ગયો હતો. આ ઘટનાથી પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. ત્યારબાદ વન વિભાગ અને પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી વ્યાપક શોધખોળમાં બાળકના બૂટ, લોહીથી લથબથ કપડાં અને શરીરના કેટલાક અવશેષો મળી આવ્યા છે.
આ કરુણ ઘટનાને પગલે શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. મૃતક બાળકના પરિવારે વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવતા જણાવ્યું છે કે, ગિરનારના પગથિયાં પર લાઈટની યોગ્ય વ્યવસ્થા નથી, જેના કારણે વન્યજીવોના હુમલાનું જોખમ વધ્યું છે. અંધારાને કારણે યાત્રિકોને કોઈ પણ જોખમનો અંદાજ આવતો નથી. યાત્રિકોની સુરક્ષા માટે પગથિયાં પર સમયાંતરે ફોરેસ્ટ ઓફિસરોની તૈનાતી અને પૂરતી લાઇટિંગની વ્યવસ્થા કરવા માટે માંગ કરવામાં આવી છે.
તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ગિરનારની મુખ્ય સીડી પર સામાન્ય અવરજવર બંધ કરી દેવામાં આવી છે અને શ્રદ્ધાળુઓને જટાશંકર નજીકની જૂની સીડીનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. વન વિભાગની વિવિધ ટીમો દ્વારા સિંહને ટ્રેક કરી પાંજરે પૂરવા માટે જંગલ વિસ્તારમાં સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનાને કારણે ભક્તોમાં ગિરનાર આરોહણ દરમિયાન સુરક્ષાને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું છે.