ગુજરાતના શિક્ષણમાં ચિંતાનો વિષય: 45.5 ટકા વિદ્યાર્થીઓ અધવચ્ચેથી શાળા છોડી રહ્યા છે
- UDISE+ રિપોર્ટમાં ખુલાસો, ધોરણ 12 સુધી માત્ર 54.5 ટકા રીટેન્શન રેટ
- UDISE+ રિપોર્ટમાં વહીવટી ખામીઓ અને ડ્રોપ-આઉટ રેટમાં વધારો છતો થયો
- મધ્યમિક સ્તરે 12.5 ટકા ડ્રોપ-આઉટ રેટ, નક્કર પ્રયાસોની જરૂરિયાત
સિટી ન્યુઝ @ ગાંધીનગર
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા વર્ષ 2025-26 માટે જાહેર કરવામાં આવેલા UDISE+ રિપોર્ટમાં ગુજરાતના શિક્ષણ ક્ષેત્રની ગંભીર સ્થિતિ સામે આવી છે. રિપોર્ટ મુજબ, રાજ્યમાં 1.15 કરોડથી વધુ વિદ્યાર્થીઓની નોંધણી હોવા છતાં, ધોરણ 12 સુધીનો રીટેન્શન રેટ માત્ર 54.5 ટકા રહ્યો છે, જેનો અર્થ છે કે લગભગ 45.5 ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ અધવચ્ચે જ છોડી રહ્યા છે. પ્રારંભિક શિક્ષણમાં 100 ટકા નોંધણી સફળ રહી હોવા છતાં, મિડલ અને માધ્યમિક સ્તરે આ આંકડો ચિંતાજનક રીતે ઘટતો જાય છે. ખાસ કરીને માધ્યમિક સ્તરે ગુજરાતનો 12.5 ટકા ડ્રોપ-આઉટ રેટ દેશની 7 ટકાની સરેરાશ કરતા ઘણો વધારે છે.
શિક્ષકોની વ્યવસ્થામાં પણ મોટી વહીવટી ક્ષતિઓ બહાર આવી છે. રાજ્યની 58 એવી શાળાઓ સામે આવી છે જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા શૂન્ય છે, પરંતુ ત્યાં 74 શિક્ષકો પગાર મેળવી રહ્યા છે. આ ઉપરાંત, રાજ્યમાં 2,335 શાળાઓ માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલી રહી છે, જેમાં 80,053 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વિદ્યાર્થી અને શિક્ષકનો ગુણોત્તર પણ ચિંતાજનક છે, જ્યાં દેશમાં સરેરાશ 24 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક છે, તેની સામે ગુજરાતમાં આ આંકડો 29 વિદ્યાર્થીઓનો છે.
જોકે, આ પડકારોની વચ્ચે સરકારે એક સકારાત્મક પહેલ પણ કરી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સિસ્ટમના ઉપયોગ દ્વારા ગત વર્ષે આશરે 1.67 લાખ વિદ્યાર્થીઓને શાળા છોડતા અટકાવવામાં સફળતા મળી છે. આ પરિણામો સૂચવે છે કે રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા અને શાળામાં વિદ્યાર્થીઓને ટકાવી રાખવા માટે હવે વધુ ટેકનિકલ અને નક્કર વહીવટી પગલાંની જરૂર છે, જેથી શિક્ષણના આ ચિંતાજનક આંકડાઓમાં સુધારો લાવી શકાય.
શિક્ષણ ક્ષેત્રની સ્થિતિ પર એક નજર UDISE+ રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં ધોરણ 12 સુધીના અભ્યાસમાં છોકરીઓનો રીટેન્શન રેટ (56.2%) છોકરાઓ (53%) કરતા વધુ સારો છે. રાજ્યમાં 2,335 શાળાઓ સિંગલ-ટીચર પર નિર્ભર છે, જે શિક્ષણના વ્યાપીકરણ માટે મોટો અવરોધ છે. વહીવટી સ્તરે 58 શાળાઓમાં 'ઝીરો એનરોલમેન્ટ' છતાં શિક્ષકોની હાજરી એ વહીવટી સુધારણાની તાતી જરૂરિયાત દર્શાવે છે. શિક્ષણ વિભાગ દ્વારા AI ના ઉપયોગથી મળેલી સફળતા આવનારા વર્ષોમાં ડ્રોપ-આઉટ રેટ ઘટાડવા માટે એક દિશા સૂચવે છે.