Loading Please Wait !!!
UPSCની તૈયારી કરતા ઉમેદવારોને દર મહિને 4 હજારની સહાય : ગુજરાત સરકારની જાહેરાત

 

યુવતીઓને 2.05 લાખ, યુવાનોને 1.55 લાખ સુધીની રકમ મળશે

સીટી ન્યૂઝ@ગાંધીનગર

ગુજરાત સરકારે UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહક નિર્ણય જાહેર કર્યો છે. સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) અને તેના માન્ય તાલીમ કેન્દ્રોમાં અભ્યાસ કરતા ઉમેદવારોને આર્થિક પ્રોત્સાહન સહાયમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. નવી જોગવાઈ મુજબ હવે પ્રિલિમિનરી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને દર મહિને ૪,૦૦૦ની સહાય આપવામાં આવશે. સરકારના નિર્ણય મુજબ UPSC પરીક્ષાના દરેક તબક્કે સફળતા મેળવનારા ઉમેદવારોને અલગ-અલગ પ્રોત્સાહન સહાય પણ આપવામાં આવશે. પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરનાર યુવકોને ૩૫,૦૦૦ અને યુવતીઓને ૫૦,૦૦૦ આપવામાં આવશે. મુખ્ય પરીક્ષા પાસ કરનાર યુવકોને ૪૫,૦૦૦ જ્યારે યુવતીઓને ૫૫,૦૦૦ની સહાય મળશે. આ ઉપરાંત UPSCમાં અંતિમ પસંદગી મેળવનારા યુવકોને ૭૫,૦૦૦ અને યુવતીઓને ૧ લાખનું પ્રોત્સાહન આપવામાં આવશે. આ રીતે તમામ તબક્કાની સહાયને ગણીને યુવકોને કુલ ૧.૫૫ લાખ અને યુવતીઓને કુલ ૨.૦૫ લાખ સુધીની આર્થિક સહાય મળી શકશે. SPIPAના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ચંદ્રેશ કોઠારીએ સ્પષ્ટ કરી છે કે પ્રિલિમ, મેઈન અને ઈન્ટરવ્યુ સહિત દરેક તબક્કાની સહાય પહોંચે તો અગાઉ એક જ વખત મળશે. જો કોઈ ઉમેદવાર ફરી પ્રયાસ કરીને ઈન્ટરવ્યુ સુધી પહોંચે તો અગાઉ મળેલી પ્રિલિમ અને મેઈનની સહાય ફરી આપવામાં આવશે નહીં, પરંતુ ઈન્ટરવ્યુ તબક્કાની સહાય નિયમ મુજબ મળી શકશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સરકારનું માનવું છે કે આર્થિક સહાયથી વધુ યુવાનો ગુણવત્તાયુક્ત તૈયારી કરી શકશે અને ગુજરાતમાંથી દેશની સર્વોચ્ચ સિવિલ સેવાઓમાં પસંદગી પામનારા ઉમેદવારોની સંખ્યામાં વધારો થશે.