Loading Please Wait !!!
કેન્દ્રીય રમતગમત મંત્રાલયનો મોટો ધડાકો: ગુજરાતના ૧૩ રમતવીરો ડોપ ટેસ્ટમાં પ્રતિબંધિત દવાઓ લેતા ઝડપાયા!

 

  • કેન્દ્રીય રમતગમત મંત્રાલયના અહેવાલ મુજબ ગુજરાતના રમતવીરો નશાના દલદલમાં ફસાયા છે.

  • સ્નાયુઓનો વિકાસ અને ત્વરિત સ્ફૂર્તિ મેળવવા માટે ખેલાડીઓ જીવલેણ ડ્રગ્સનો ઉપયોગ કરી રહ્યા છે.

  • વર્ષ ૨૦૨૪માં ૬, ૨૦૨૫માં ૫ અને ૨૦૨૬માં ૨ સહિત કુલ ૧૩ રમતવીરો પોઝિટિવ આવ્યા છે.

સિટી ન્યુઝ @ ગાંધીનગર

ગાંધીનગર, તા. ૨૭ ગુજરાતના ખેલજગતમાં મેડલ જીતવાની ઘેલછાએ રમતવીરોને નશાના દલદલમાં ધકેલી દીધા છે, જેના કારણે ખેલાડીઓ પોતાના શરીર અને કરિયર બંને દાવ પર લગાવી રહ્યા છે. કેન્દ્રીય રમતગમત મંત્રાલયના સનસનીખેજ ઘટસ્ફોટ મુજબ, ડોપ ટેસ્ટમાં ગુજરાતના ૧૩ રમતવીરો પ્રતિબંધિત નશીલી દવાઓનો ઉપયોગ કરતા ઝડપાયા છે. દોડ, લાંબી કૂદ અને વેઇટલિફ્ટિંગ જેવા વધુ શારીરિક ક્ષમતા માગી લેતી રમતોના ખેલાડીઓ વધુ ઊર્જા મેળવવા માટે આ દૂષણમાં ફસાયા છે.

મેદાન પર હરીફોને પછાડવા અને શરીરમાં કુદરતી ક્ષમતા કરતાં બમણી ઊર્જા પેદા કરવા માટે ખેલાડીઓ મોંઘા અને જીવલેણ ડ્રગ્સના ઇન્જેક્શન તેમજ ગોળીઓ લઈ રહ્યા છે. સ્નાયુઓનો વિકાસ ઝડપી કરવા, ફેફસા અને લોહીમાં ઓક્સિજન વધારી થાક ગાયબ કરવા માટે આ પ્રતિબંધિત દવાઓ લેવાય છે. કેન્દ્રીય રમતગમત મંત્રાલયના જણાવ્યાનુસાર, છેલ્લા ત્રણેક વર્ષમાં કરાયેલા ડોપ ટેસ્ટમાં ગુજરાતના ૧૩ એથ્લીટ્સ પોઝિટિવ આવ્યા છે, જેમાં વર્ષ ૨૦૨૪માં ૬, ૨૦૨૫માં ૫ અને ૨૦૨૬માં ૨ કેસ સામે આવ્યા છે.

એક બાજુ રાજ્યમાં ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ અને ૨૦૩૬ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની મેળવવા માટે તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ખેલાડીઓનું ડ્રગ્સના રવાડે ચડવું એ રમતગમત વિભાગની નિષ્ફળતા દર્શાવે છે. આ ગંભીર મામલે હજુ સુધી ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા કોઈ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી.