Loading Please Wait !!!
વડોદરામાં નબીરાઓની દાદાગીરી: દારૂની મહેફિલમાં ફાયરિંગ, 2 ફ્લેટમાં ઘૂસી ગોળી

  • ગોત્રી-ભાયલીમાં ચકચાર, CCTV માં કેદ થયા આરોપીઓ, પોલીસે 6 નબીરાઓને ઝડપ્યા
  • પ્રિયા થિયેટર નજીક રહેણાંક વિસ્તારમાં અફરાતફરી, આરોપીઓ પાસેથી હથિયાર કબ્જે
  • 200 મીટર દૂરથી છૂટેલી ગોળી ઘરના દરવાજા તોડી ડ્રોઈંગ રૂમ સુધી પહોંચી

સિટી ન્યૂઝ @ વડોદરા

વડોદરા શહેરના ગોત્રી-ભાયલી વિસ્તારમાં ગત 2 જુલાઈની મોડી રાત્રે ફાયરિંગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રિયા થિયેટર નજીક આવેલા આરના-48 એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 201 અને 301 પર અજાણ્યા શખસો દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પરિવાર જ્યારે ઘરમાં ગાઢ નિદ્રામાં હતો ત્યારે અચાનક થયેલા ફાયરિંગથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગોળીઓ બાલ્કનીમાં મચ્છર જાળી અને કાચ તોડીને છેક ડ્રોઈંગ રૂમ સુધી પહોંચી હતી, જેનાથી મોટી જાનહાનિ ટળી હતી.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ, એલસીબીની ટીમ અને એફએસએલના નિષ્ણાતોએ ઘટનાસ્થળે પહોંચી પુરાવા એકત્ર કર્યા હતા. તપાસ દરમિયાન એક મોટો ખુલાસો થયો છે કે, આ ફાયરિંગની ઘટના આરના-48 એપાર્ટમેન્ટથી અંદાજિત 200 મીટર દૂર આવેલા અશ્વમેઘ એવન્યુના ચોથા માળે જામી હતી. ત્યાં કેટલાક બેફામ બનેલા નબીરાઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા, જે દરમિયાન કોઈ બાબતે થયેલી માથાકૂટમાં તેમણે ફાયરિંગ કર્યું હતું. આ ગોળીઓ સીધી સામેની બિલ્ડિંગના બે ફ્લેટમાં જઈને વાગી હતી.

ફાયરિંગની ઘટના બાદ આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરીને 5 થી 6 નબીરાઓને રાઉન્ડઅપ કર્યા છે. આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલું હથિયાર પણ પોલીસે કબ્જે કર્યું છે. પોશ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઉભા કર્યા છે, ત્યારે હવે પોલીસ તપાસમાં નબીરાઓને હથિયાર ક્યાંથી મળ્યું અને શું અગાઉ પણ આવા ગુનામાં સામેલ હતા કે નહીં તે અંગે વધુ ખુલાસા થશે.

યુવા પેઢીમાં વધતો નશા અને હથિયારનો ક્રેઝ

શહેરોમાં દારૂની મહેફિલોમાં સામાન્ય બબાલ બાદ હથિયાર કાઢી ફાયરિંગ કરવું એ આજના નબીરાઓમાં વધતા ઉદ્ધતપણાનું પ્રતીક છે. મનોરંજનના નામે થતી આવી મહેફિલો જ્યારે હિંસક સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાય છે. યુવા પેઢીમાં વધતો નશો અને ગેરકાયદેસર હથિયારો સુધી પહોંચી જવાની સરળતા સમાજ માટે ગંભીર જોખમ છે. પોલીસ તંત્ર દ્વારા આવા અસામાજિક તત્વો સામે દાખલારૂપ કાયદાકીય કાર્યવાહી કરવી અત્યંત અનિવાર્ય છે.