વડોદરાના વૈજ્ઞાનિકોનો મોટો કમાલ, પ્લાસ્ટિક કચરામાંથી બનાવ્યું સસ્તું પેટ્રોલ
- માત્ર 32 રૂપિયા પ્રતિ લિટરે મળશે 'પ્લાસ્ટો પેટ્રોલ', બાઈકમાં 60 કિમીની શાનદાર એવરેજ
- ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલયનું ઐતિહાસિક સંશોધન, 100 કિલો પ્લાસ્ટિકમાંથી 50 કિલો ઈંધણ તૈયાર
- ડૉ. વેંકટ ચિંગલાના પ્રોજેક્ટને મળી મોટી સફળતા, પ્રદૂષણ નિયંત્રણમાં પણ પાસ
સિટી ન્યુઝ @ વડોદરા
પેટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચેલા ભાવોથી ત્રસ્ત લાખો વાહનચાલકો માટે એક મોટા અને રાહતરૂપ સમાચાર છે. વડોદરા સ્થિત ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલયના વૈજ્ઞાનિકોએ પ્લાસ્ટિક વેસ્ટમાંથી સસ્તું ઈંધણ તૈયાર કરીને એક ઐતિહાસિક આવિષ્કાર કર્યો છે. આ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલા પેટ્રોલ-ડીઝલ જેવા ઈંધણની કિંમત પ્રતિ લિટર માત્ર 32 રૂપિયા થાય છે, જેને 'પ્લાસ્ટો પેટ્રોલ' નામ આપવામાં આવ્યું છે. આ ઐતિહાસિક પ્રોજેક્ટ હવે લેબોરેટરીમાંથી બહાર આવીને પ્રેક્ટિકલ ટ્રાયલમાં પણ સંપૂર્ણપણે સફળ રહ્યો છે, જે બજારમાં મળતા સામાન્ય ઈંધણને મોટી ટક્કર આપી શકે તેમ છે.
આ પ્રોજેક્ટની શરૂઆત એક દાયકા પહેલા ડૉ. વેંકટ ચિંગલા દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 2020 માં ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલયમાં જોડાયા બાદ તેમણે પ્લાસ્ટો ફ્યુઅલ રિસર્ચ સેન્ટર શરૂ કરી વડોદરા રેલવે સ્ટેશન નજીક પ્રયોગો હાથ ધર્યા હતા. અહીં દરરોજ 1.8 ટન પ્લાસ્ટિક વેસ્ટનું પ્રોસેસિંગ કરવામાં આવતું હતું. તેમના જણાવ્યા અનુસાર, 100 કિલો પ્લાસ્ટિક વેસ્ટમાંથી 50 કિલો ઉપયોગમાં લઈ શકાય તેવું ઈંધણ મળે છે. કાચું ઈંધણ માત્ર 24 રૂપિયામાં તૈયાર થાય છે અને અપગ્રેડેડ ઈંધણની કિંમત 32 રૂપિયા પ્રતિ લિટર થાય છે. હાલમાં ત્રણ મોટરસાયકલ આ ઈંધણ પર ચલાવવામાં આવી રહ્યા છે, જેમાં પ્રતિ લિટર 60 કિમીની શાનદાર એવરેજ મળી રહી છે. ખાસ વાત એ છે કે આ વાહનોને પીયુસી પણ મળી ગયું છે, એટલે કે તેમાંથી થતું પ્રદૂષણ નિર્ધારિત મર્યાદામાં જ રહે છે.
સામાન્ય પેટ્રોલ-ડીઝલની સરખામણીએ આ નવું ઈંધણ 90 ટકા જેટલું સક્ષમ છે. આ ટેકનોલોજીનું મહત્વ એટલું મોટું છે કે ઉડ્ડયન ક્ષેત્રની ટોચની કંપની એરબસ પણ પ્લાસ્ટિક વેસ્ટમાંથી વિમાની ઈંધણ બનાવવાના પ્રયાસો કરી રહી છે. ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલયના વાઈસ ચાન્સેલર પ્રો. મનોજ ચૌધરીએ જણાવ્યું છે કે, વેસ્ટ મેનેજમેન્ટ અને ઈંધણ સપ્લાય જ્યાં પડકારજનક હોય તેવા લેહ, લદ્દાખ, કેદારનાથ અને બદ્રીનાથ જેવા દુર્ગમ વિસ્તારોમાં આ ટેકનોલોજી દાખલ કરવાની તૈયારી ચાલી રહી છે. આ પ્રોજેક્ટને સમગ્ર દેશમાં તબક્કાવાર લાગુ કરવા માટે હાલ વિવિધ કેન્દ્રીય મંત્રાલયો સાથે સઘન મંત્રણા પણ હાથ ધરવામાં આવી છે.
કચરામાંથી કંચન અને પર્યાવરણનું રક્ષણ
આજના સમયમાં વધતો જતો પ્લાસ્ટિકનો કચરો પર્યાવરણ માટે સૌથી મોટો અને ગંભીર ખતરો બની ગયો છે. ત્યારે આધુનિક ટેકનોલોજીની મદદથી આ હાનિકારક કચરાનો યોગ્ય નિકાલ કરીને તેમાંથી સીધો ઉર્જાનો વિકલ્પ ઊભો કરવો તે ખરા અર્થમાં સમયની તાતી જરૂરિયાત છે. આવા વૈજ્ઞાનિક પ્રયોગો માત્ર આર્થિક બોજ જ નથી ઘટાડતા, પરંતુ ગ્લોબલ વોર્મિંગ સામે લડવામાં પણ એક મોટી ક્રાંતિ લાવી શકે છે.