Loading Please Wait !!!
વરસાદ ખેંચાતા દુષ્કાળનો ડર વધ્યો ખેતરો સૂકા, ખેડૂતો ચિંતિત

સિટી ન્યૂઝ@ગાંધીનગર

ચાલુ વર્ષે ચોમાસાનો વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. કેશોદ અને વંથલી પંથકના ખેડૂતો દ્વારા સાબલી જળ સંપત્તિ યોજનામાં સૌની યોજનાનું પાણી છોડવા માટે સરકારમાં રજૂઆતોનો દોર તેજ કરવામાં આવ્યો છે. વંથલી તાલુકાના ખોરાસા આહીર ગામ પાસે વર્ષ ૨૦૧૧માં સાબલી જળ સંચય યોજના બનાવવામાં આવેલ છે, પરંતુ હાલ ડેમમાં ડેડ સ્ટોરેજમાં માત્ર ૯.૯૧ ટકા જેટલું જ પાણી બચ્યું હોવાથી કટોકટી સર્જાઈ છે. વરસાદ વિના ખેતરોમાં પાક સૂકાઈ રહ્યો છે ત્યારે ૧૫થી ૨૦ ગામના ખેડૂતોને દુષ્કાળની સ્થિતિમાંથી ઉગારવા અને વહેલી તકે સૌની યોજનામાં સાબલી જળ સંપત્તિ યોજનાનું નામ ઓફિશિયલ ઉમેરાય તે માટે ખેડૂતો સરકારમાં સતત મહેનત અને રજૂઆતો કરી રહ્યા છે. કેશોદ તાલુકાના મઢવાણા ગામના ખેડૂત કાનાભાઈ સિંહારે જણાવ્યું હતું કે, તેમના ગામથી ૬ કિલોમીટર દૂર ખોરાસા ગામના સાબલી જળ સંપત્તિ યોજનાનો ડેમ આવેલો છે. આ ડેમમાં પાણી છોડાવવા માટે સ્થાનિક ખેડૂત આગેવાનો દ્વારા અત્યાર સુધીમાં સરકારમાં બે વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી ચૂકી છે. તેઓ અગાઉ આ પ્રશ્ન અંગે મુખ્યમંત્રીને પણ રૂબરૂ મળ્યા હતા, જેના પગલે મુખ્યમંત્રી દ્વારા સંબંધિત વિભાગને પત્ર લખી કામગીરી ક્યાં પહોંચી છે તેની વિગતો મંગાવી હતી.

આ ઉપરાંત જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને પણ ખેડૂત આગેવાનો સાથે મળીને આ અંગે ભલામણ કરવામાં આવી છે. તેમણે સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે, સરકારના વર્તમાન નિયમ મુજબ વાલ્વથી માત્ર ૭ કિલોમીટર સુધી જ પાણી છોડી શકાય છે, જ્યારે સાબલી ડેમ અને વાલ્વ વચ્ચેનું અંતર અંદાજિત ૧૪ કિલોમીટર જેટલું થયો છે. જો આ ડેમમાં પાણી પડી જાય, તો ઓછામાં ઓછા ૧૫થી ૨૦ ગામના ખેડૂતોના આગોતરા વાવેતર બચી જશે અને મોટો ફાયદો થશે. મઢવાણા ગામના અન્ય ખેડૂત અશ્વિનભાઈએ પોતાની ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોના પાક ખેતરોમાં જ સુકાઈ રહ્યા છે. ઉનાળા દરમિયાન ઉપલબ્ધ પાણીના કારણે વિસ્તારના ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળી સહિતના પાકોનું આગોતરૂ વાવેતર કરી દીધું હતું, પરંતુ હવે પાક ઊભો સુકાઈ રહ્યો છે તેવી ગંભીર હાલત સર્જાઈ છે. જો ડેમમાં સમયસર પાણી છોડવામાં આવે તો મગફળીના પાકને નવું જીવનદાન મળી શકે તેમ છે. આ ઉપરાંત ગામડાઓમાં ઢોર-ઢાંખર અને મનુષ્યોને પીવા માટે યોગ્ય પાણી મળી રહેશે.