Loading Please Wait !!!
અંબાજીથી સનાતન ધર્મ સંસદનું રાજ્યવ્યાપી અભિયાન શરૂ થશે

 

  • સનાતન ધર્મની આસ્થા અને શાસ્ત્રોક્ત પરંપરાની સમજ વિના લેવાતા સરકારી નિર્ણય ધર્મનું અપમાન સમાન

  • અંબાજી બાદ ડાકોર, સોમનાથ, દ્વારકા, સાળંગપુર, પાવગઢ સહિતના યાત્રાધામોમાં યોજાશે સનાતન ધર્મ સંસદ

સિટી ન્યૂઝ@અંબાજી

જગપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે સનાતન ધર્મ સંસદની અત્યંત મહત્વપૂર્ણ અને વિશાળ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સનાતન ધર્મની શાસ્ત્રોક્ત પરંપરાઓના સંરક્ષણ, કર્મકાંડી ભૂદેવોના અધિકારો, દેવસ્થાન ટ્રસ્ટોના વહીવટ, યાત્રાધામોની વ્યવસ્થાપન પદ્ધતિ, ધાર્મિક સેવાઓના વ્યાપારીકરણ તેમજ શ્રદ્ધાળુઓની સુવિધાઓ સહિતના અનેક મુદ્દાઓ પર વિસ્તૃત અને ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.

સંસદના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે સનાતન ધર્મની પરંપરા, આગમશાસ્ત્ર અને શાસ્ત્રોક્ત વિધિઓની યોગ્ય અને ઊંડાણપૂર્વકની સમજ વિના લેવાતા કેટલાક વહીવટી નિર્ણયો ધાર્મિક પરંપરાઓને અસર પહોંચાડી રહ્યા છે અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ધાર્મિક બાબતોમાં કોઈપણ પ્રકારના નિર્ણય લેતા પહેલાં ધર્મશાસ્તના જાણકારો, પરંપરાગત વિદ્વાનો, સ્થાનિક પુજારી સમાજ તથા અનુભવી સંત-મહંતોનું માર્ગદર્શન ફરજિયાત રીતે લેવામાં આવે તેવી સ્પષ્ટ અને વિસ્તૃત માંગ કરવામાં આવી હતી.

બેઠકમાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના

દેવસ્થાન ટ્રસ્ટોમાં વ્યાપારીકરણ અને ભ્રષ્ટાચાર સામે ઉઠ્યો અવાજ: ભૂદેવોના અધિકારો મુદ્દે વિસ્તૃત બેઠક; વિવિધ માંગણીઓ સરકાર સમક્ષ રજૂ

વહીવટ, યાત્રાળુઓ માટેની સુવિધાઓ, ભીડ વ્યવસ્થાપન, ધાર્મિક વિધિઓના વ્યાપારીકરણ અને પારદર્શિતાને લઈને અનેક ગંભીર આક્ષેપો અને ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. સંસદે ધ્વજારોહણ, યજ્ઞશાળા, ચંડીપાઠ, નૈવેદ્ય, આરતી તથા અન્ય પરંપરાગત ધાર્મિક વિધિઓના વ્યાપારીકરણને “કર્મ અને ધર્મ” ને સંપૂર્ણ રીતે બંધ કરવા, સ્થાનિક કર્મકાંડી ભૂદેવોના પરંપરાગત અધિકારોનું સંપૂર્ણ અને ફાયદેસર

રક્ષણ કરવા, ભંડારા વ્યવસ્થાના છેલ્લા ૧૨ મહિનાના CCTV ફૂટેજ જાહેર કરવા તેમજ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ સ્વતંત્ર અને ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

સાથે જ ટ્રસ્ટોમાં નાણાકીય વ્યવહારોમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા, યાત્રાધામોમાં આવક-ખર્ચની વિગતવાર જાહેર માહિતી નિયમિત રીતે પ્રસિદ્ધ કરવા, ભક્તો માટેની સુવિધાઓમાં

સતત સુધારો કરવા અને શ્રદ્ધાળુઓના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા પણ સંસદે ભારપૂર્વક અને વિસ્તૃત રજૂઆત કરી હતી.

સનાતન ધર્મ સંસદે વધુમાં જણાવ્યું હતું કે આ અભિયાન માત્ર અંબાજી પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ રાજ્યવ્યાપી સ્તરે વધુ વ્યાપક સ્વરૂપ ધારણ કરશે. અંબાજી બાદ ડાકોર, સોમનાથ, દ્વારકા, સાળંગપુર, પાવગઢ સહિત રાજ્યના તમામ મુખ્ય યાત્રાધામોમાં પણ આવી બેઠકો યોજાશે, દરેક યાત્રાધામના સ્થાનિક પ્રશ્નો, દેવસ્થાન ટ્રસ્ટોના વહીવટ, પારદર્શિતા, ધાર્મિક પરંપરાઓના સંરક્ષણ તથા શ્રદ્ધાળુઓના હિતના મુદ્દાઓને વિગતવાર રીતે એકત્રિત કરીને રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે.

મહામંડલેશ્વર ડૉ. જ્યોતિનાથજીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં સ્થાનિક શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ધાર્મિક એકતા, પરંપરાગત મૂલ્યોના સંરક્ષણ, સમાજમાં જાગૃતિ લાવવાના મુદ્દો તથા સનાતન પરંપરાના વ્યાપક રક્ષણ અંગે પણ વિશેષ અને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.