Loading Please Wait !!!
અનુપમસિંહ ગેહલોત હવે અમદાવાદને આપશે ‘કડક’ દિશા !

  • રાજકોટ, વડોદરા, સુરત અને હવે અમદાવાદમાં CP તરીકે સેવા આપનાર જૂજ અધિકારીઓમાંનાં એક
  • બાહોશ, કડક અને પ્રજાહિતની ચિંતા કરનાર અધિકારીઓનું નામ લેવાય ત્યારે 1997ની બેચના IPS અનુપમસિંહ ગેહલોતનું નામ મોખરે આવે

સીટી ન્યૂઝ@અમદાવાદ

શહેરમાં આગામી સમયમાં યોજાનારી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પૂર્વે રાજ્ય સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના પૂર્વ પોલીસ કમિશનર જી.એસ. મલિક રાજ્યના કાયમી DGP બન્યા બાદ છેલ્લા ૨૫ દિવસથી ખાલી પડેલી કમિશનરની જગ્યા પર સુરતના વર્તમાન પોલીસ કમિશનર અને ૧૯૯૭ની બેચના સિનિયર IPS અધિકારી અનુપમસિંહ ગેહલોતને અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના નવા પોલીસ કમિશનર કોણ બનશે તેને લઈને ભારે ચર્ચાઓ અને અટકળો ચાલી રહી હતી. રથયાત્રા જેવા મોટા અને સંવેદનશીલ બંદોબસ્તને ધ્યાનમાં રાખીને સરકાર કોઈ અનુભવી ચહેરાની શોધમાં હતી. જી.એસ. મલિકની રાજ્યના પોલીસ વડા (DGP) તરીકે પસંદગી થયા બાદ, અમદાવાદ સીપીની ચાર્જ ઈન્ચાર્જ અધિકારીને સોંપવામાં આવ્યો હતો. રથયાત્રા પૂર્વે જ સરકારે આ મહત્વની જગ્યા પર કાયમી કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતના નામ પર મહોર દીધી છે. ૧૯૯૭ની બેચના બાહોશ IPS અધિકારી અનુપમસિંહ ગેહલોત ગુજરાતના પોલીસ તંત્રમાં બહોળો અનુભવ ધરાવે છે. તેઓ અગાઉ રાજ્યના મુખ્ય શહેરો જેવા કે રાજકોટ, વડોદરા અને સુરતના પોલીસ કમિશનર તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી ચૂક્યા છે. આ ચાર મોટા મહાનગરોમાં કમિશનર તરીકે સેવા આપવાનો અનુભવ ધરાવતા તેઓ રાજ્યના જૂજ અધિકારીઓમાંથી એક છે. તેમની અત્યાર સુધીની કારકિર્દી પર નજર કરીએ તો, તેઓ ભાવનગરમાં જિલ્લા પોલીસ વડા (SP) તરીકે રહ્યા બાદ પાટણના એએસપી બન્યા હતા.

IPS ગેહલોત એડિશનલ ડીજીપી કક્ષાના અધિકારી છે

DGP કક્ષાના 6 અધિકારી છતાં અમદાવાદના નવા CP તરીકે ગેહલોતે બાજી મારી

અમદાવાદમાં 15 વર્ષે શહેર કમિશનરની પોસ્ટ ડાઉન ગ્રેડ કરાઈ

અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ડીજીપી રેન્કના સિનિયર આઈપીએસ અધિકારીની નિમણૂક કરાય છે. જોકે અત્યારે ગુજરાત પોલીસ પાસે રેગ્યુલર ડીજીપી જી.એસ. મલિક ઉપરાંત ડીજીપી કક્ષાના ૬ સિનિયર આઈપીએસ છે, જેમાં ડો.કે.એલ.એન.રાવ, નીરજા ગોતુર, મનોજ શશીધર, રાજુ ભાર્ગવ, નરસિમ્હા કોમર અને રાજકુમાર પાંડિયનનો સમાવેશ થાય છે. આ તમામ ડીજીપી કક્ષાના અધિકારીમાંથી અમદાવાદ પોલીસ કમિશનર તરીકે એડિશનલ ડીજીપી અનુપમસિંહ ગેહલોત બાજી મારી ગયા છે.