ધો.1માં પ્રવેશ માટે બાળવાટિકાના પ્રમાણપત્ર રજૂ કરવામાંથી મુક્તિ
સિટી ન્યૂઝ@ગાંધીનગર
રાજ્યમાં નવી શિક્ષણ નીતિના અમલીકરણના ભાગરૂપે શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા અમુક વર્ષથી ધો.૧માં પ્રવેશની વયમર્યાદા ૬ વર્ષ કરી છે અને ૭ વર્ષ કરતા નાના અને ૫ વર્ષ કરતા મોટા બાળકો માટે બાળવાટિકાઓ અમલ શરૂ કર્યો છે. જોકે, આ નિર્ણય બાદ ઘણી ખાનગી શાળાઓ દ્વારા બાળવાટિકાના પ્રમાણપત્રો ફરજિયાતપણે હઠાગ્રહ રખાતો હોવાની ફરિયાદો ઉઠી હતી. જેથી ધો.૧માં પ્રવેશ આપતી વખતે ફરજિયાત પણે બાળવાટિકાનું સર્ટિફિકેટ માગતી શાળાઓને શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે તમામ શાળાઓને જણાવ્યું છે કે, ધો.૧માં પ્રવેશ માટે બાળવાટિકાનું સર્ટિફિકેટ જરૂરી નથી. માત્ર
બાળકના જન્મનું સર્ટિફિકેટ જ મુખ્ય આધાર ગણવાનો રહેશે. ધો.૧માં પ્રવેશ માટે બાળવાટિકાના પ્રમાણપત્રના હઠાગ્રહ રાખવામાં આવતો હોવાની ફરિયાદોને પગલે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં જણાવ્યુ છે કે, ધો.૧માં પ્રવેશ માટે બાળવાટિકા (પ્રિ-સ્કૂલિંગ) પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર રજૂ કરવું બિલકુલ ફરજિયાત નથી. કાયદાકીય જોગવાઈ મુજબ, પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ માટે જન્મ, મરણ, લગ્ન નોંધણી અધિનિયમ હેઠળ આપેલા જન્મના પ્રમાણપત્ર અથવા અન્ય નિયત દસ્તાવેજના આધારે માત્ર ઉંમર નક્કી કરવાની રહે છે. એટલું જ નહીં, ઉંમરની સાબિતીના અભાવે પણ કોઈપણ બાળકને શાળામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાતો નથી.