Loading Please Wait !!!
10 વર્ષના બાળકને દિપડો ઉપાડી ગયો

મહુવાના બાંભણિયામાં સ્કૂલથી છૂટીને પિતા પાસે જતા વિદ્યાર્થી પર કાળ બનીને ત્રાટક્યો

સીટી ન્યૂઝ@ભાવનગર

ભાવનગર જિલ્લાના મહુવા ગ્રામ્ય વિસ્તારમાં વન્ય પ્રાણીઓનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. મહુવા પંથકના બાંભણિયા ગામે ગઈકાલે સાંજે ૬ વાગ્યાની આસપાસ એક અત્યંત દુખદ ઘટના સામે આવી છે. સ્કૂલથી છૂટીને પિતા પાસે સાઈકલ પર જઈ રહેલા વિદ્યાર્થીને દિપડાએ હુમલો કર્યો હતો અને ફાડી ખાધો હતો. દીપડાના હુમલાની બે મહિનામાં આ બીજી ઘટના છે. શાળાએથી છૂટ્યા બાદ ૧૦ વર્ષનો નિત્યકુમાર પ્રકાશભાઈ ગોંડલીયા બાંભણિયાથી મોભિયાના જવા રસ્તા પર પોતાની સાઈકલ લઈને પિતા પાસે જઈ રહ્યો હતો. આ દરમિયાન ઝાડીઓમાંથી અચાનક ત્રાટકેલા નરભક્ષી દીપડાએ માસૂમ બાળક પર લોહિયાળ હુમલો કર્યો હતો.

દીપડાના આ જીવલેણ હુમલામાં બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. માસૂમ નિત્યકુમારના આકસ્મિક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ પંથકમાં છેલ્લા ૨ મહિનામાં દીપડાના હુમલામાં ત્રીજી જિંદગી હોમાઈ જતાં મહુવા પંથક જાણે સ્થાનિક નાગરિકો માટે 'ડેથ ઝોન' બની ચૂક્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઘટનાના પગલે સમગ્ર પંથકના ગ્રામજનોમાં વન વિભાગની નિષ્ક્રિયતા સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, શું વન વિભાગ માત્ર લાશોના પંચનામા કરવા માટે જ કાર્યરત છે? સતત વધી રહેલા વન્ય પ્રાણીઓના હુમલાઓને કારણે મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં ભય અને દહેશતનો એવો માહોલ છે કે ખેડૂતો અને ખેતમજૂરો હવે દિવસના ભાગે પણ ખેતરે જતાં કચકચી રહ્યા છે. જાણે આખો પંથક વન્ય પ્રાણીઓના ખાનમાં હોય તેવી ગંભીર પરિસ્થિતિ નિર્માણ પામી છે. વન વિભાગ દ્વારા તાકીદ આ નરભક્ષી દીપડાને પાંજરે પૂરવામાં આવે અને વન્ય પ્રાણીઓના ત્રાસમાંથી કાયમી મુક્તિ અપાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

તાલાલામાં ધોરણ-12ના વિદ્યાર્થી પર દીપડાનો હુમલો

તાલાલામાં ફોટોન સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ ૧૨ના વિદ્યાર્થી પર દીપડાએ હુમલો કર્યો છે. મોડી રાત્રે ૧૨ વાગ્યે સ્કૂલના ગેટ નજીક બાળક શૌચ ક્રિયા કરતા સમયે હુમલો કર્યો હતો. સારવાર માટે પ્રથમ વેરાવળ સિવિલ અને ત્યાર બાદ વિમ્સ હોસ્પિટલ ખસેડાયો હતો. વિદ્યાર્થી મૂળ પ્રભાસ પાટણનો રહેવાસી અને ગંભીર રીતે ઘાયલ હતો.