Loading Please Wait !!!
ભાજપના સંગઠન મંત્રી પર 300 કરોડના કૌભાંડનો આરોપ

  • 20% વળતરની લાલચ આપી 35 ગામના હજારો રોકાણકારોને ફસાવ્યાનો દાવો, ધામેચા બંધુઓ સામે તપાસ તેજ
  • શેરબજારમાં રોકાણના નામે પોન્ઝી સ્કીમ ચલાવી કરોડો એકત્ર કર્યા, 150થી વધુ એજન્ટો મારફતે ફેલાવ્યું જાળ

 

  • શરૂઆતમાં વ્યાજ ચૂકવી જીત્યો વિશ્વાસ, બાદમાં કરોડો રૂપિયા લઈને ફરાર થયાનો આરોપ

સીટી ન્યૂઝ@ભાવનગર

ભાવનગર જિલ્લાના ફરિયાદકા ગામના પિતરાઈ ભાઈઓ યોગેશ ધામેચા અને સંજય ધામેચા સામે શેરબજારમાં રોકાણ નામે કરોડો રૂપિયાની છેતરપિંડીના ગંભીર આક્ષેપો થયા છે. શરૂઆતમાં ૨૦ ટકા સુધીનું આકર્ષક માસિક વળતર આપવાની લાલચ આપી તેમણે મોટી સંખ્યામાં લોકોને રોકાણ કરવા પ્રેર્યા હતા. પોલીસ તપાસમાં અત્યાર સુધી એક કરોડથી વધુની છેતરપિંડીના ગુના નોંધાયા છે, જ્યારે પીડિતોનો દાવો છે કે સમગ્ર કૌભાંડનો આંકડો ૩૦૦થી ૪૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી યોગેશ ધામેચા ભાજપમાં સંગઠન મંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યો હતો. બીજી તરફ સંજય ધામેચા અગાઉ ડ્રાઈવિંગ સહિતના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું પરિવારજનોનું કહેવું છે. બંનેએ વિશ્વાસનું વાતાવરણ ઉભું કરીને રોકાણકારોનું વિશાળ નેટવર્ક તૈયાર કર્યું હતું અને શરૂઆતમાં નિયમિત વળતર ચૂકવી લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો હતો.

પીડિતો અને સ્થાનિકોના જણાવ્યા મુજબ ધામેચા બંધુઓએ આશરે ૧૫૦ જેટલા એજન્ટો મારફતે ૩૦થી ૩૫ ગામોમાં રોકાણનો વ્યવસાય ફેલાવ્યો હતો. હજારો લોકોએ વધુ કમાણીની આશાએ પોતાની જીવનભરની બચત, ખેતીની આવક અને મિલકત વેચીને પણ આ યોજનામાં નાણાં રોક્યા હતા. જોકે, થોડા સમય બાદ બંને આરોપીઓ અચાનક ફરાર થઈ જતાં રોકાણકારોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

પોલીસ તપાસમાં શરૂઆતમાં થોડા રોકાણકારોની ફરિયાદને આધારે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, પરંતુ તપાસ આગળ વધતા વધુ પીડિતો સામે આવ્યા છે. ફરિયાદોની સંખ્યા અને છેતરાયેલી રકમ બંને સતત વધી રહી છે. અનેક એજન્ટોએ પણ પોતે લાખો રૂપિયાનું નુકસાન ભોગવવું હોવાનું જણાવ્યું છે અને તેઓ પણ આ સમગ્ર કૌભાંડમાં પોતાને ભોગ બનનાર ગણાવી રહ્યા છે. સમગ્ર મામલાએ હવે રાજકીય રંગ પણ પકડ્યો છે, કારણ કે મુખ્ય આરોપી યોગેશ ધામેચા ભાજપમાં સંગઠન મંત્રી હોવાનું સામે આવ્યું છે. પીડિતોએ સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરીને તમામ સંડોવાયેલા લોકોની ભૂમિકા બહાર લાવવા, રોકાણકારોના નાણાં પરત અપાવવા અને જો અન્ય કોઈ વ્યક્તિઓ પણ આ ગેરરીતિમાં સામેલ હોય તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

20% નફાની લાલચે 35 ગામ સુધી ફેલાયું કૌભાંડ

તપાસમાં સામે આવેલી વિગતો મુજબ ધામેચા બંધુઓએ શેરબજારમાં રોકાણના નામે ૨૦ ટકા વળતરની ખાતરી આપી ૩૫ જેટલા ગામોમાં એજન્ટો મારફતે રોકાણકારોનું વિશાળ નેટવર્ક ઉભું કર્યું હતું. શરૂઆતમાં સમયસર વ્યાજ ચૂકવી વિશ્વાસ જીત્યા બાદ કરોડો રૂપિયા એકત્ર કરી બંને ફરાર થઈ ગયા હોવાના આક્ષેપ છે. હાલ પોલીસ સમક્ષ નોંધાયેલી ફરિયાદોની રકમ સતત વધી રહી છે, જ્યારે પીડિતો સમગ્ર કૌભાંડ ૩૦૦થી ૪૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું હોવાનો દાવો કરી રહ્યા છે.

ભોગ બનનાર ગ્રામજનો

ભોગ બનનાર ગામ રકમ
કરણભાઈ મેઘજીભાઈ રાઠોડ ફરિયાદકા 46,50,000
સંદિપભાઈ ધીરુભાઈ સોલંકી ચિત્રા 20,00,000
કિશોરભાઈ અરજણભાઈ ચૌહાણ સિદસર 12,50,000
ગૌતમભાઈ ઉકાભાઈ ચૌહાણ સિદસર 9,24,500
નિલેશભાઈ જેન્તીભાઈ રાઠોડ બોરતળાવ 7,00,000
અનિલભાઈ ગણેશભાઈ રાઠોડ ફરિયાદકા 5,40,000
અજયભાઈ રાયસંગભાઈ રાઠોડ બોરતળાવ 2,50,000