હજારો કાર-બાઈક રિપેર કરાવવા લાઈનો લાગી
સુરતમાં મુશળધાર પડેલા વરસાદ બાદ પૂરના પાણી ઓસરતા
-
ગેરેજોમાં મહિનાનું લાંબુ વેઈટિંગ કહેતા વાહનચાલકો કંટાળ્યા
-
લાંબી લાઈનો જોઈને વાહનચાલકો વાહન ભંગારમાં વેચવા તૈયાર
-
એન્જિન-ઈલેક્ટ્રીક પાર્ટ્સમાં પાણી ભરતાં કરોડોનું નુકસાન
સીટી ન્યૂઝ@સુરત
સુરત શહેરમાં પડેલા મુશળધાર વરસાદ અને ત્યારબાદ આવેલા ખાડીપૂરના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પૂરના પાણી એટલી ઝડપે અને અચાનક આવ્યા કે વાહનચાલકોને પોતાના વાહનો સલામત સ્થળે હટાવવાનો પણ સમય મળ્યો ન હતો. પરિણામે, શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ૩૦૦૦થી વધુ બાઈક અને કાર પાણીમાં આખેઆખી ડૂબી જતાં બંધ થઈ ગઈ છે. હવે પૂરના પાણી ઓસરતા જ શહેરના તમામ નાના-મોટા ગેરેજ અને ઓથોરાઈઝડ સર્વિસ સેન્ટરો બહાર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, જેને જોઈને વાહનચાલકો કંટાળ્યા છે. વરસાદી પાણીમાં વાહનો ફ્લાકો સુધી ડૂબેલા રહેવાને કારણે વાહનમાલિકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મોટાભાગની બાઈક અને કારના એર ફિલ્ટર, એન્જિન અને ગિયર બોક્સમાં પાણી ભરાઈ ગયું છે. આ ઉપરાંત, આધુનિક ગાડીઓમાં સેન્સર અને ઈલેક્ટ્રોનિક પાર્ટ્સ પાણીમાં ગરકાવ થઈ જતાં શોર્ટ સર્કિટના કારણે વાહનો કંડેમ જેવા થઈ ગયા છે. ગેરેજ સંચાલકો જણાવ્યા પ્રમાણે, વાહનોમાં એન્જિન સીઝ થવાથી લઈને વાયરિંગ બળી જવા સુધીનું મોટું નુકસાન સામે આવ્યું છે. વરાછા સવાણી વિસ્તારમાં ગીતાંજલિ પેટ્રોલ પંપની પાછળ મહાદેવ નગરમાં ગેરેજ ચલાવતા સંચાલકે જણાવ્યું કે, “હું છેલ્લા સાત વર્ષથી અહીં ગેરેજ ચલાવું છું, પણ આવો ભયાનક વરસાદ અને પૂર ક્યારેય નથી જોયું. આસપાસની દુકાનોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જતાં વેપારીઓ બરબાદ થઈ ગયા છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, અહીં પાછળ હીરાના કારખાનામાં કામ કરતા રત્નકલાકારોની ગાડીઓ પાર્ક હતી, જે બધી જ ડૂબી ગઈ. લોકો ગાડીઓ મૂકીને પગપાળા ઘરે જવા મજબૂર બન્યા હતા.
હાઈબ્રિડ-ઈલેક્ટ્રીક કારના માલિકો મૂંઝવણમાં મુકાયા
વિનાયક મોટર્સના માલિક જતિનભાઈ પંડિતે જણાવ્યું હતું કે, “બે દિવસ પહેલા પડેલા ભારે વરસાદથી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. અતિવૃષ્ટિના કારણે વર્કશોપ પર આવેલી તમામ ગાડીઓમાં મોટું નુકસાન છે. હાલ ગાડીઓની સાફ-સફાઈ ચાલી રહી છે, ત્યારબાદ એન્જિનમાંથી પાણી કાઢી, સેન્સરો સાફ કરીને ગાડીઓ ચાલુ કરવાનો પ્રયત્ન કરાશે.” બીજી તરફ, કાર મિકેનિક્સના જણાવ્યા અનુસાર, હાલમાં ગેરેજોમાં એક-એક મહિનાનું વેઈટિંગ ચાલી રહ્યું છે. લક્ઝુરિયસ કારના પાર્ટ્સ તાત્કાલિક મળતા નથી, જેથી કંપનીમાંથી મંગાવવા પડી રહ્યા છે. સૌથી વધુ મુશ્કેલી તાજેતરમાં લોન્ચ થયેલી હાઈબ્રિડ અને ઈલેક્ટ્રીક કારમાં જોવા મળી રહી છે, જ્યાં ટેકનિકલ ખામીઓ ઉભી થતાં રિપેરિંગ અટવાયું છે. એક કાર ચાલકે વ્યથા ઠાલવતા કહ્યું કે, મારી કાર આખી ડૂબી ગઈ હતી, જેના લીધે મીટર, સીટ, બેટરી, વાયરિંગ અને એન્જિન બધું જ બગડી ગયું છે.