Loading Please Wait !!!
‘દાદા’એ કહ્યું હું ‘ટેસ્ટ મેચ’ રમી રહ્યો છું...

  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લાંબી ઈનિંગનો રાજકીય સંકેત આપ્યો
  • મુખ્યમંત્રી બદલાવાની અફવાઓનું બજાર ગરમ હતું ત્યારે મુંબઈમાં ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાને દાદાએ પોતે ટેસ્ટ મેચ રમી રહ્યા હોવાની વાત કરી
  • રાજકીય રીતે એવું પણ કહી શકાય કે મુખ્યમંત્રી પોતે ટેસ્ટ મેચ રમવા આવ્યા છે એ આયોજન સાથે આવ્યા છે તે પ્રકારનો રાજકીય સંદેશ પણ આપ્યો
 
અંદર કી બાત @ અનિરુદ્ધ નકુમ 

રાજકારણમાં ક્રિકેટની ઉપમા નવી નથી. ખાસ કરીને ગુજરાતના રાજકારણમાં ક્રિકેટની ભાષા ક્યારેક રાજકીય સંદેશ વ્યક્ત કરવા માટેનું રસપ્રદ માધ્યમ બની છે. પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણી જાહેરમાં પોતાને T-20 ક્રિકેટર ગણાવતા. તેમનો સંકેત સ્પષ્ટ હતો ઝડપી નિર્ણયો, ઝડપથી અમલ અને ઝડપથી પરિણામ.પરંતુ સમયનો ખેલ પણ ક્રિકેટ જેવો જ છે. T-20ની ઈનિંગ પૂરી થઈ ગઈ અને હવે ગુજરાતના રાજકીય મેદાનમાં ટેસ્ટ મેચની વાત થઈ રહી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં મુંબઈમાં ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સાથેની વાતચીત દરમિયાન પોતે ટેસ્ટ મેચ રમી રહ્યા હોવાનો સકેત આપ્યો. વાત મૂળભૂત રીતે લાંબા ગાળાના આયોજન, નીતિઓ અને રાજ્યના વિકાસના વિઝનના સંદર્ભમાં હતી.
 
પરંતુ રાજકારણમાં શબ્દો માત્ર શબ્દો રહેતા નથી. ખાસ કરીને જ્યારે તે શબ્દો રાજકીય ચર્ચાઓ વચ્ચે ઉચ્ચારાય.છેલ્લા કેટલાક સમયથી મુખ્યમંત્રીના નેતૃત્વ અને સરકારના ભવિષ્યને લઈને અટકળોનું બજાર ગરમ હતું. આવા સમયે મુખ્યમંત્રી તરફથી હું ટેસ્ટ મેચ રમી રહ્યો છું એવું કહેવું સ્વાભાવિક રીતે રાજકીય સંદેશ તરીકે પણ જોવામાં આવે.સંદેશ કદાચ એટલો જ છે. ઝડપથી રન બનાવીને ઈનિંગ પૂરી કરવાની નહીં, લાંબી ઈનિંગ રવાની તૈયારી છે.ટેસ્ટ મેચમાં માત્ર એકાદ શાનદાર શોટથી જીત મળતી નથી. ધીરજ જોઈએ, વિકેટ સાચવવી પડે, પરિસ્થિતિ પ્રમાણે બેટિંગ બદલવી પડે અને લાંબા સમય સુધી ક્રિઝ પર ટકી રહેવું પડે. સરકાર ચલાવવી પણ કઈક એવી જ બાબત છે. પાંચ વર્ષના રાજકીય ચક્રથી આગળ જોઈને લાંબા ગાળાની નીતિઓ ઘડવી અને તેનો સતત અમલ કરવો પડે.
અહીં ટેસ્ટ મેચનો રાજકીય અર્થ કાઢવો હોય તો તે મુખ્યમંત્રીના લાંબા ગાળાના નેતૃત્વના દાવા તરીકે જોઈ શકાય. રાજકીય અટકળો વચ્ચે આ એક પ્રકારનો આત્મવિશ્વાસનો સંદેશ પણ છે. ઈનિંગ હજુ લાંબી છે.અલબત્તા, ક્રિકેટની ઉપમા આપવી સરળ છે, પરંતુ ટેસ્ટ મેચ જીતવી મુશ્કેલ છે. રાજકારણમાં પણ માત્ર લાંબો સમય ક્રિઝ પર ઊભા રહેવું જ નથી; રન પણ બનાવવા પડે. વિકાસના પરિણામો, રોજગાર, રોકાણા, માળખાકીય સુવિધાઓ અને સામાન્ય નાગરિકના જીવનમાં સુધારો આ જ અંતે સ્કોરબોર્ડ પર દેખાવાનું છે.આથી દાદા ટેસ્ટ મેચ અશે એ વાક્ય માત્ર રાજકીય નિવેદન ન રહે, પરંતુ આગામી સમયની સરકારની કામગીરીનો માપદંડ બને તો ગુજરાતના રાજકારના માટે તે વધુ રસપ્રદ રહેશે.રાજકારણની પીચ પર સૌથી મોટો અમ્પાયર જનતા છે. ત્યાં ન તો રાજકીય દલીલો ચાલે છે, ન તો પ્રેસ કોન્ફરન્સ. ત્યાં

માત્ર પરિણામનું સ્કોરબોર્ડ જોવામાં આવે છે. હેટચકુળોના તોફાન વચ્ચે ટેસ્ટ મેચનું નિવેદન ચોક્કસપણે રાજકીય સંદેશ ધરાવે છે. હવે જોવાનું એ છે કે આ માત્ર બેટિંગનો આત્મવિશ્વાસ છે કે ખરેખર લાંબી ઈનિંગ રમવાની તૈયારી.