ડેસ્ટિનેશન વેડિંગનું નવું હબ બનશે ગુજરાત !
- હવે રાજસ્થાન-ગોવાને ટક્કર આપશે ગુજરાત
- સરકારનો માસ્ટર પ્લાન : રોડમેપ તૈયાર ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી
સીટી ન્યૂઝ@ગાંધીનગર
દેશમાં રાજસ્થાનના ભવ્ય મહેલો અને ગોવાના દરિયાકિનારા પર ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. હવે ગુજરાત પણ આ રેસમાં જોડાવા તૈયાર થઈ ગયું છે. રાજ્યને ડેસ્ટિનેશન વેડિંગ માટે દેશ-વિદેશનું પસંદગીનું સ્થળ બનાવવા ગુજરાત સરકારે મહત્વકાંક્ષી પહેલ હાથ ધરી છે.
ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ દ્વારા રાજ્યમાં ડેસ્ટિનેશન વેડિંગ ટુરિઝમના વિકાસ માટે સંભાવનાઓનું મૂલ્યાંકન કરવા અને સમગ્ર રોડમેપ તૈયાર કરવા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
સરકારનું માનવું છે કે ગુજરાત પાસે ઐતિહાસિક મહેલો, હેરીટેજ હવેલીઓ, વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક સ્થળો, લાંબો દરિયાકિનારો, રણ વિસ્તાર, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા અનેક આકર્ષણો છે. યોગ્ય આયોજન અને વૈશ્વિક સ્તરે બ્રાન્ડિંગ કરવામાં આવે તો ગુજરાત પણ ડેસ્ટિનેશન વેડિંગ માટે દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન મેળવી શકે છે. આ દિશામાં હવે સત્તાવાર કવાયત શરૂ કરવામાં આવી છે.
ટીસીજીએલ દ્વારા બહાર પાડવામાં આવેલા ટેન્ડર મુજબ પસંદ થનારી એજન્સી સમગ્ર રાજ્યમાં ડેસ્ટિનેશન વેડિંગ માટે યોગ્ય સ્થળોની ઓળખ કરશે. તે ઉપરાંત હોટલ, રિસોર્ટ, કનેક્ટિવિટી, પરિવહન, ઈવેન્ટ મેનેજમેન્ટ, કેટરિંગ અને અન્ય જરૂરી સુવિધાઓનું વિગતવાર મૂલ્યાંકન કરીને વિકાસ માટે વ્યૂહરચના તૈયાર કરશે. સાથે જ દેશ અને વિદેશના વેડિંગ માર્કેટને ધ્યાનમાં રાખીને ગુજરાતને કેવી રીતે બ્રાન્ડિંગ કરવું તેની પણ ભલામણ કરવામાં આવશે.
ટેન્ડરની શરતો મુજબ ટેકનિકલ અને ફાઈનાન્સિયલ બિડ ઓનલાઈન ૧૬ જુલાઈ, ૨૦૨૬ના રોજ સાંજે ૬ વાગ્યા સુધી જમા કરાવવાની રહેશે, જ્યારે ટેકનિકલ બિડની હાર્ડ કોપી ૧૮ જુલાઈ, ૨૦૨૬ના રોજ બપોરે ૩ વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે.
ડેસ્ટિનેશન વેડિંગ માત્ર લગ્ન સમારોહ પૂરતું મર્યાદિત નથી. આ ક્ષેત્ર સાથે હોટલ ઉદ્યોગ, રિસોર્ટ, ટ્રાવેલ, ટ્રાન્સપોર્ટ, કેટરિંગ, ડેકોરેશન, ફોટોગ્રાફી, ફ્લોરલ ડિઝાઈન, મેકઅપ, લોકકલા અને હસ્તકલાનો વિશાળ વ્યવસાય જોડાયેલો છે. એક સફળ ડેસ્ટિનેશન વેડિંગથી સ્થાનિક અર્થતંત્રને કરોડો રૂપિયાનો વ્યવસાય મળી શકે છે. સરકાર આ ક્ષેત્રને પ્રવાસન ઉદ્યોગના નવા ગ્રોથ એન્જિન તરીકે જોઈ રહી છે.
પ્રવાસન ક્ષેત્રના જાણકારોના મતે જો આ યોજના સફળતાપૂર્વક અમલમાં આવશે તો ગુજરાતમાં માત્ર પ્રવાસીઓની સંખ્યા જ નહીં વધે, પરંતુ રાજ્યને હાઈ-એન્ડ વેડિંગ ડેસ્ટિનેશન તરીકે પણ નવી ઓળખ મળશે.
દેશ-વિદેશના સમૃદ્ધ પરિવારોને આકર્ષવામાં ગુજરાત સફળ રહેશે તો પ્રવાસન સાથે જોડાયેલા અનેક ક્ષેત્રોમાં મોટા પાયે વેચાણ અને રોજગારીની નવી તકો પણ ઉભી થશે.