શ્રી દેવતણખી ધામમાં 115મો અષાઢી બીજ મહોત્સવ 16 જુલાઈએ
ભજન-સંતવાણી, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, મહાપૂજા અને રથયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે
સીટી ન્યૂઝ@જુનાગઢ
જુનાગઢ નજીક આવેલા મજેવડી ગામ સ્થિત શ્રી દેવતણખી ધામ ખાતે સમસ્ત લુહાર સમાજના આસ્થાના કેન્દ્ર એવા સંત શિરોમણી શ્રી દેવતણખી ધામ અને શ્રી લિરલબાઈ માતાજીના જન્મસ્થાન તથા ચેતન સમાધિ સ્થળે આગામી ૧૬ જુલાઈએ ૧૧૫મા અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. શ્રી દેવતણખી ધામ ટ્રસ્ટે મહોત્સવની તૈયારીઓને અંતિમ ઓપ આપ્યો છે. કાર્યક્રમ મુજબ ૧૬ જુલાઈએ સવારે આરતી, રંદલ માતાજીના ફોટા ઉત્સવ, પ્રસાદ વિતરણ તેમજ લુહાર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ યોજાશે. રાત્રે ભજન-સંતવાણીનો કાર્યક્રમ યોજાશે, જેમાં જાણીતા કલાકારો ભાગ લેશે. ૧૬ જુલાઈએ સવારે મહાપૂજા, આરતી, ધર્મસભા અને સન્માન સમારોહ યોજાશે. બપોરે મહાપ્રસાદ બાદ ભવ્ય રથયાત્રા, માતાજીના મામેરા, ધ્વજારોહણ તથા રામદેવજી મહારાજના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસંગે સંત-મહંતોની ઉપસ્થિતિમાં ધાર્મિક પ્રદર્શન પણ યોજાશે. દર વર્ષે મહોત્સવમાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે. શ્રી દેવતણખી ધામ ટ્રસ્ટે આ પાવન પ્રસંગે તમામ ભાવિકોને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.