Loading Please Wait !!!
ગુજરાત ડુપ્લીકેટ સામાનના ધંધાનું ‘હબ’ બન્યું

  • ઘી, પનીર, ચા, શેમ્પુ, ક્રીમ તમામ વસ્તુઓનો નકલીનો મોટો કારોબાર
  • નકલી ‘કેશ કિંગ શેમ્પુ’ એરિયલ વોશિંગ પાવડર બનાવવાનું કૌભાંડ ઝડપાયું

સીટી ન્યૂઝ@સુરત

સુરત શહેરમાં ફરી એકવાર નકલી પ્રોડક્ટ્સ બનાવી બજારમાં પધરાવી દેવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેશન કરતા તત્વો સામે ઉત્રાણ પોલીસે લાલ આંખ કરી છે. ઉત્રાણ પોલીસ અને બ્રાન્ડેડ કંપનીના મેનેજરોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી મોટા વરાછા વિસ્તારમાં આવેલા એક ગોડાઉન પર દરોડા પાડ્યા હતા. જ્યાંથી પ્રખ્યાત ‘કેશ કિંગ શેમ્પુ અને એરિયલ વોશિંગ પાવડરનું ડુપ્લીકેશન કરવાનું મસમોટું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ ઇસમોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉત્રાણ પોલીસને બાતમી મળી હતી કે મોટા વરાછાથી આઉટર રિંગરોડ તરફ જતા વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. આ બાતમીના આધારે ઉત્રાણ પોલીસની ટીમે કેશ કિંગ શેમ્પુ અને એરિયલ કંપનીના ઓથોરાઈઝ્ડ મેનેજરોને સાથે રાખીને ગોડાઉન પર ઓચિંતી રેડ કરી હતી. રેડ દરમિયાન ગોડાઉન અંદરનું દ્રશ્ય જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અહીં છેલ્લા ઘણા સમયથી જાણીતી બ્રાન્ડના નામે આબેહૂબ નકલી પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવી રહી હતી. પોલીસે ગોડાઉનમાં તપાસ કરતા ત્યાંથી કેશ કિંગ શેમ્પુની હજારો ખાલી અને ભરેલી બોટલો, એરિયલ કંપનીના પાવડરના ડબ્બા, ડુપ્લીકેટ સ્ટીકરો તેમજ પેકિંગ માટેના કાર્ટન બોક્સ મળી આવ્યા હતા. ગ્રાહકોને અસલ અને નકલનો ભેદ ખબર ન પડે તે રીતે આબેહૂબ પેકિંગ મટીરીયલ તૈયાર કરીને બજારમાં સપ્લાય કરવાનું આયોજન હતું.