લોનથી બચવા બનાવટી પ્લેટવાળી અર્ટિકા કારે યુવાનનો ભોગ લીધો
- બેંક રિકવરીથી કાર બચાવવા આરોપીએ ગેરકાયદેસર કીમિયો અપનાવ્યો
- છેતરપિંડી અને અકસ્માત મામલે આરોપી બે કાર સાથે ઝડપાયો
સિટી ન્યૂઝ@હળવદ : હળવદ માર્કેટ યાર્ડ પાસે બનેલી હિટ એન્ડ રનની ગોઝારી ઘટનામાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. લોનના હપ્તા બાકી હોવાથી રિકવરી એજન્ટોથી પોતાની કાર બચાવવા આરોપીએ બીજી કારની નંબર પ્લેટ લગાવી છેતરપિંડી આચરી હતી. લોનના ડરથી આચરેલા આ ગેરકાયદેસર 'જુગાડ'માં સર્જાયેલા અકસ્માતમાં એક નિર્દોષ યુવાનનું મોત નીપજ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી બંને કાર કબજે લીધી છે. ઘટનાની વિગત મુજબ, હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારના અરવિંદ કુડેચા માર્કેટ યાર્ડ પાસે રોડ ક્રોસ કરતા હતા, ત્યારે પૂરપાટ આવતી અર્ટિકા કારે તેમને અડફેટે લેતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટના બાદ મૃતકના ભાઈ રોહિતે કાર નંબર GJ-03-PJ-7105 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હળવદ પોલીસની સઘન તપાસમાં કડીઓ રાજકોટ સુધી લંબાઈ હતી અને અકસ્માત સર્જનાર અસલી આરોપી લીલપરનો બિપિન રાઠોડ ઝડપાયો હતો. પોલીસ પૂછપરછમાં ખૂલ્યું કે બિપિન પાસે બે અર્ટિકા કાર હતી (એક GJ-36-AC-8580 અને બીજી સંબંધીના નામે GJ-03-PJ-7105).
આચર્યું પાપ અને છેતરપિંડી
આરોપી બિપિનની GJ-36-AC-8580 કારના હપ્તા બાકી હોવાથી, બેંકના રિકવરી એજન્ટોથી બચવા તેણે આ ગાડી પર સંબંધીની બીજી ગાડીની નંબર પ્લેટ લગાવી દીધી હતી. આ બનાવટી નંબર પ્લેટવાળી કાર લઈને નીકળ્યો ત્યારે જ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. પોલીસે આરોપી સામે હિટ એન્ડ રન, છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજના ઉપયોગનો ગંભીર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.