દ્વારકાનાં દ્વારકાધીશજી મંદિરે શ્રીજીને ખુલ્લા પડદે જયેશ્ટાભિષેક કરાયો
મંદિરમાં પૌરાણિક કુંડના જલ ભરી શ્રીજીનાં બાલ સ્વરૂપ ગોપાલજીને નાવમાં બેસાડી જલયાત્રા નાવ મનોરથની ઉજવણી, દર્શનાર્થે હજારો ભાવિકો ઉમટ્યા
સિટી ન્યૂઝ@ દ્વારકા
યાત્રાધામ દ્વારકાના જગત મંદિર ખાતે જેઠ સુદ પૂનમ નિમિત્તે ભગવાન દ્વારકાધીશજીનો પરંપરાગત જયેશ્ટાભિષેક ખુલ્લા પડદે કરવામાં આવ્યો હતો. વર્ષ દરમિયાન માત્ર બે જ પ્રસંગે ખુલ્લા પડદે શ્રીજીનો અભિષેક થતો હોવાથી આ ઉત્સવનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. આ અવસરે જલયાત્રા નાવ મનોરથનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.
જેઠ સુદ પૂનમના વહેલી સવારે હજારો ભાવિકોએ ગોમતી ઘાટ પર પવિત્ર સ્નાન કરીને દ્વારકાધીશજીના દર્શનનો લાભ લીધો હતો. મંગળા આરતી બાદ વારદાર પૂજારી દ્વારા શ્રીજીને ખુલ્લા પડદે જયેશ્ટાભિષેક કરાવવામાં આવ્યો હતો તેમજ કાળિયા ઠાકોરને અલૌકિક શણગારથી શોભાયમાન કરવામાં આવ્યા હતા.
જલયાત્રા ઉત્સવ નિમિત્તે સાંજે ઉત્થાપન બાદ નિજ મંદિરના સભામંડપમાં આવેલા પૌરાણિક કુંડમાં જળ ભરી ભગવાનના બાલ સ્વરૂપ ગોપાલજીને નાવમાં બેસાડી પરંપરાગત જલયાત્રા નાવ મનોરથ યોજાયો હતો. આ અલૌકિક દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.
મંદિર પરંપરા મુજબ ભગવાન દ્વારકાધીશજીનો ખુલ્લા પડદે અભિષેક વર્ષમાં માત્ર જન્માષ્ટમી અને જેઠ સુદ પૂનમ એમ બે જ પ્રસંગે કરવામાં આવે છે. તેથી જયેશ્ટાભિષેક ઉત્સવનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. શ્રીજીના અભિષેક અને જલયાત્રા મનોરથના દર્શન કરીને હજારો ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.