ભગવાન દ્વારકાધીશના ચરણે પહોંચી 21 ગૌમાતાની વેદના યાત્રા
લાઠીદડથી નીકળેલી યાત્રા 21મા દિવસે જગતમંદિરે પહોંચી; ગૌસેવા અને ગૌરક્ષણનો પ્રબળ સંદેશ
સીટી ન્યૂઝ@દ્વારકા
લાઠીદડથી પ્રારંભ થયેલી "૨૧ ગૌમાતા વેદના યાત્રા" ૨૧ દિવસની લાંબી યાત્રા પૂર્ણ કરીને ભગવાન દ્વારકાધીશના પવિત્ર ધામે પહોંચી હતી. રાત્રિના સમયે રોશનીથી ઝળહળતા જગતમંદિરના પટાંગણમાં પહોંચેલી ગૌમાતાનું ગૌભક્તો અને સ્વયંસેવકોએ ભાવભીનાં સ્વાગત સાથે આવકાર કર્યો હતો અને તેમને શ્રદ્ધાપૂર્વક મંદિર તરફ દોરી જવામાં આવી હતી. આ યાત્રાનો મુખ્ય હેતુ ગૌમાતાઓ પર થતા અત્યાચાર, તેમની અવગણના અને રસ્તાઓ પર ભટકતી ગૌમાતાઓની વેદનાને સમાજ સમક્ષ સ્પષ્ટ રીતે રજૂ કરવાનો હતો. આયોજકોના જણાવ્યા મુજબ આ યાત્રા માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતી મર્યાદિત નથી, પરંતુ ગૌસેવા, ગૌરક્ષણ અને માનવતાના મૂલ્યોને ઉજાગર કરવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે.
યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ ગૌમાતાની સેવા અને સંરક્ષણ માટે સમાજમાં જાગૃતિ લાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ખાસ કરીને યુવા પેઢીને ગૌસેવા પ્રત્યે સંકલ્પબદ્ધ બનવા અને ગૌરક્ષણ માટે આગળ આવવા અપીલ કરવામાં આવી હતી. દ્વારકાધીશના ચરણે પહોંચેલી આ યાત્રા સાથે ગૌમાતાની વેદના અને ગૌરક્ષણનો સંદેશ વધુ વ્યાપક રીતે પ્રસરી રહ્યો છે અને સમાજમાં ગૌસેવા પ્રત્યે નવી ચેતના જગાવવાનો પ્રયાસ સફળ બન્યો હોવાનું માનવામાં આવે છે.