Loading Please Wait !!!
ખેડૂતોનું આંદોલન ઉગ્ર; સરકાર સાથે વાતચીતનો ઈન્કાર

પહેલા કામ બંધ કરાવો પછી ચર્ચા...

હાઈટેન્શન વીજલાઈન મુદ્દે જેતપરના ખેડૂતોનું કડક વલણ

જ્યાં સુધી નવો પરિપત્ર ન આવે અને કામ બંધ ન થાય ત્યાં સુધી કોઈ ચર્ચા નહીં: ખેડૂતોએ મુખ્યમંત્રીને લેખિતમાં મોકલી માંગણીઓ 

સીટી ન્યૂઝ@મોરબી

મોરબીના જેતપર મુકામે ખેતરોમાંથી પસાર થતી હાઈટેન્શન વીજલાઈનના યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોની ઉપવાસ છાવણીમાં આંદોલન વધુ તેજ બન્યું છે. ગઈકાલે સરકારી તંત્ર વતી એસ.ડી.એમ. (SDM) અને તેમની ટીમ ખેડૂતોને ચર્ચા-વિચારણા કરવા માટે આમંત્રણ આપવા છાવણી ખાતે પહોંચ્યા હતા. જોકે, ખેડૂત સમિતિ દ્વારા આ સરકારી આમંત્રણને સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢવામાં આવ્યું છે. ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "જ્યાં સુધી વીજલાઈનનું કામ તાત્કાલિક અસરથી બંધ કરવામાં ન આવે અને ખેડૂતોના હિતમાં નવો પરિપત્ર જાહેર ન થાય, ત્યાં સુધી સરકાર કે તંત્ર સાથે કોઈ પણ પ્રકારની મંત્રણા કે વાટાઘાટો કરવામાં આવશે નહીં." ખેડૂતોએ પોતાની પડતર માંગણીઓ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને એક વિસ્તૃત લેખિત પત્ર મોકલ્યો છે અને યોગ્ય નિર્ણય લેવા માટે સરકારને ૨ થી ૩ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. સમગ્ર ગુજરાતમાં હાલ હાઈટેન્શન વીજલાઈન અને ટાવરો ઉભા કરવા સામે ખેડૂતો આંદોલનના માર્ગે છે. ટેલિગ્રાફ એક્ટ ૧૮૮૫ની કલમ ૧૦(d) મુજબ કંપનીએ ખેતરોમાં લઘુત્તમ નુકસાન કરવાનું હોય છે અને થયેલા તમામ નુકસાનનું પૂરું વળતર ચૂકવવાનું રહે છે. ખેડૂતોની માંગ છે કે ગુજરાત ઉર્જા વિભાગ કેન્દ્ર સરકારની તાજેતરની ગાઈડલાઈન્સ (૧૪/૦૫/૨૦૨૪ અને ૨૧/૦૩/૨૦૨૫) માં સુધારા કરીને નવો પરિપત્ર જાહેર કરે.

ખેડૂતોની પાંચ માંગણીઓ:

  • ટાવર વિસ્તાર માટે ૪૦૦% વળતર: કેન્દ્રની ગાઈડલાઈનમાં બજાર કિંમતના ૨૦૦% વળતરની જોગવાઈ છે. પરંતુ હાઈ વોલ્ટેજ લાઈનના ઈલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડના લીધે થતા નુકસાનને ધ્યાને રાખી, રાજસ્થાન સરકારની જેમ જંત્રીના નહીં પરંતુ બજાર કિંમતના ૪૦૦% વળતર આપવામાં આવે.

  • RoW (રાઈટ ઓફ વે) વિસ્તાર માટે વધારાનું વળતર: તાર નીચે આવતી જમીન (RoW) માટે હાલ ૩૦%, ૪૫% અને ૬૦% વળતર નક્કી છે. પરંતુ ઈલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ થાંભલા-તાર બંનેમાં હોવાથી આ વળતર વધારીને અનુક્રમે ૨૩૦%, ૨૪૫% અને ૨૬૦% કરવામાં આવે.

  • બજાર કિંમત માટે MRC કમિટીની રચના: જમીનની સાચી બજાર કિંમત નક્કી કરવા માટે જૂની DLVC કમિટીના બદલે નવી ગાઈડલાઈન મુજબ તાત્કાલિક MRC કમિટીની રચના થાય.

  • એકસાથે અને એડવાન્સ વળતર: ટાવર, RoW અને પાક નુકસાની સહિતનું તમામ વળતર ટુકડે-ટુકડે આપવાના બદલે કામ શરૂ થતા પહેલા જ એક જ હપ્તામાં એડવાન્સ ચૂકવવામાં આવે.

  • કલેક્ટરની કાર્યવાહી પહેલા હુકમ: TSP કંપની ટેલિગ્રાફ એક્ટ કલમ ૧૦(d) મુજબ વળતરનો હુકમ ખેડૂતને આપે અને તે હુકમ કલેક્ટર કચેરીમાં જમા થાય, ત્યાર બાદ જ કલેક્ટર કલમ ૧૬(૧) હેઠળની કાયદાકીય કાર્યવાહી શરૂ કરે.

ખેડૂતોએ આપ્યું સરકારને અલ્ટીમેટમ

આંદોલનકારી ખેડૂતોએ જય જવાન, જય કિસાન ના નારા સાથે મક્કમતા દર્શાવી છે કે આગામી ૨ થી ૩ દિવસમાં જો રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક વલણ અપનાવી નવો સુધારા પરિપત્ર બહાર પાડવામાં નહીં આવે, તો આ લડત આગામી દિવસોમાં વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે.