Loading Please Wait !!!
મંગળવારથી રાજકોટથી દિલ્હી, મુંબઈની ફ્લાઈટ શરૂ

ફ્યુઅલના ભાવવધારાને પગલે એર ઇન્ડિયાની 2 ફ્લાઇટ 3 માસ બંધ રહી

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એવિએશન ફ્યુઅલના ભાવવધારાને કારણે છેલ્લા ૩ મહિનાથી સ્થગિત કરાયેલી એર ઇન્ડિયાની સવારની દિલ્હી અને સાંજની મુંબઈ ફ્લાઈટ આગામી ૧ સપ્ટેમ્બરથી પુનઃ શરૂ થવા જઈ રહી છે. આગામી જન્માષ્ટમી, નવરાત્રિ, દિવાળી તેમજ નૂતન વર્ષના તહેવારો દરમિયાન મુસાફરોના ભારે ઘસારાને પહોંચી વળવા માટે એર ઇન્ડિયા એરલાઈન્સ દ્વારા રાજકોટથી વધુ ૨ શિડ્યુલ ફ્લાઇટ્સનું નવું શિડ્યુલ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.એરલાઈન્સ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, ૧ સપ્ટેમ્બરથી એર ઇન્ડિયાની સવારે ૧૦:૦૦ વાગ્યે દિલ્હી અને સાંજે ૬:૦૦ વાગ્યે રાજકોટ-મુંબઈ ફ્લાઇટનું નિયમિત ઉડ્ડયન શરૂ કરવામાં આવશે. આગામી દિવસોમાં તહેવારોની રજાઓ દરમિયાન વધતા મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને દેશના ૨ મુખ્ય મેટ્રો શહેરો દિલ્હી અને મુંબઈ વચ્ચે સીધી હવાઈ કનેક્ટિવિટીનો વ્યાપ વધારવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.હાલના તબક્કે રાજકોટ એરપોર્ટ એર ઇન્ડિયાની માત્ર ૨ ડેઈલી ફ્લાઇટ્સ કાર્યરત છે, જેમાં સવારે મુંબઈ અને સાંજે દિલ્હી માટેની સેવા ઉપલબ્ધ છે. જોકે, ૧ સપ્ટેમ્બરથી સવારે દિલ્હી-મુંબઈની ૧-૧ અને સાંજે દિલ્હી-મુંબઈની ૧-૧ મળીને કુલ ૪ ડેઈલી ફ્લાઇટ્સનું સંચાલન શરૂ થઈ જશે. આ વિસ્તરણથી દેશ-વિદેશમાં પ્રવાસ કરતા મુસાફરોને ઉત્તમ હવાઈ સેવા મળશે. ખાસ કરીને વિદેશ પ્રવાસે જતા સૌરાષ્ટ્રના મુસાફરો હવે અમદાવાદ એરપોર્ટ સુધી લાંબા થયા વિના રાજકોટ એરપોર્ટ પરથી જ દિલ્હી અને મુંબઈમાર્ફતે સરળતાથી ઇન્ટરનેશનલ કનેક્ટિંગ ફ્લાઇટ્સ મેળવી શકશે.