ગુજરાતમાં કેન્સરનો ખતરો વધ્યો
-
દરરોજ સરેરાશ 200 નવા દર્દી નોંધાય છે, પુરુષોમાં મોંના તો મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના કેસ વધુ
-
પાંચ વર્ષમાં ગુજરાતમાં 3.47 લાખથી વધુ કેસ, તમાકુ સંબંધિત કેન્સરનું પ્રમાણ 42 ટકા
- પુરુષોમાં સૌથી વધુ: મોઢા અને શ્વાસનળીનું કેન્સર
- મહિલાઓમાં સૌથી વધુ: બ્રેસ્ટ અને સર્વાઈકલ કેન્સર
સીટી ન્યૂઝ@ગાંધીનગર
હૃદયરોગ પછી કેન્સર આજે માનવજાત માટે સૌથી મોટો અને જીવલેણ પડકાર બનીને ઉભરી આવ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના ‘ગ્લોબલ સ્ટેટસ રિપોર્ટ ઓન કેન્સર’ અનુસાર, આ બીમારી દુનિયામાં મોતનું બીજું સૌથી મોટી કારણ છે. રિપોર્ટમાં ગંભીર ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં નહીં આવે, તો વર્ષ ૨૦૫૦ સુધીમાં વિશ્વમાં કેન્સરના વાર્ષિક કેસ વધીને ૩.૫ કરોડ થઈ જશે.
હાલમાં વિશ્વમાં દર વર્ષે અંદાજે ૨.૦૬ કરોડ નવા કેસ નોંધાય છે, જેમાંથી ૧ કરોડ લોકો જીવ ગુમાવે છે-એટલે કે દરરોજ ૨૭ હજારથી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. ભારત અને ખાસ કરીને ગુજરાતમાં પણ કેન્સરની સ્થિતિ અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. ICMR ના અંદાજ મુજબ, વર્ષ ૨૦૨૫માં દેશના ૧૭.૭૭ લાખ નવા કેસ નોંધાયા હતા, જેમાં ગુજરાતનો હિસ્સો ૭૨,૭૫૯ દર્દીઓનો હતો. એક આંકડા મુજબ, ભારતમાં સરેરાશ દર ૯ માંથી એક વ્યક્તિને તેના જીવનકાળ દરમિયાન કેન્સર થવાની શક્યતા રહેલી છે.
ગુજરાતમાં નોંધાતા કુલ કેસમાંથી સૌથી વધુ ૪૨ ટકા કેસ તમાકુ સેવન સાથે સંબંધિત છે. તમાકુના કારણે મોંનું કેન્સર, શ્વાસ નળી, ફેફસાં, અન્નનળી અને અન્નનળીના કેન્સર મુખ્ય છે. પુરુષોમાં મોંઢા અને શ્વાસ નળીના કેન્સરનું પ્રમાણ સૌથી વધુ છે. મહિલાઓમાં બ્રેસ્ટ (સ્તન) અને સર્વાઈકલ (ગર્ભાશયની મુખનું) કેન્સર ઝડપથી વધી રહ્યું છે.
અમદાવાદ સિવિલ કેમ્પસ સ્થિત કેન્સર હોસ્પિટલ (GCRI) ના આંકડા જ આ સ્થિતિની ગંભીરતા દર્શાવે છે. વર્ષ ૨૦૨૫માં માત્ર મોંઢા ગળાના કેન્સરના જ ૫,૯૦૯ કેસ નોંધાયા હતા, એટલે કે રોજ ૧૬ દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. પાંચ વર્ષમાં (૨૦૨૧-૨૦૨૫) આવા ૨૮,૩૫૨ દર્દીઓને સારવાર આપવામાં આવી છે.
આજે કેન્સર માત્ર મોટી ઉંમરના લોકોને જ નહીં, પરંતુ નાના બાળકોને પણ ઝપેટમાં લઈ રહ્યું છે. રસાયણિક ખેતી અને જંતુનાશકોના આડેધડ વપરાશના કારણે નવજાત શિશુ માટે અમૃત સમાન ગણાતા માતાના દૂધમાં પણ હવે યુરિયા અને જંતુનાશકોના અંશો મળી રહ્યા છે. ગુજરાતમાં રાસાયણિક ખેતીના કારણે જમીનનો ઓર્ગેનિક કાર્બન ૦.૫ ટકાથી નીચે જતો રહ્યો છે, જેથી જમીન બંજર અને કઠણ થઈ ગઈ છે અને વરસાદી પાણી જમીનમાં ઉતરતું નથી. જો દેશમાં યુરિયા-DAP ની અબજો રૂપિયાની સબસિડી બચાવીને 'પ્રાકૃતિક ખેતી' અપનાવવામાં આવે, તો જમીન પણ બચશે અને માણસનું સ્વાસ્થ્ય પણ સુધરશે. તબીબોના જણાવ્યા અનુસાર, વહેલું નિદાન એ જ કેન્સર સામે બચાવનો શ્રેષ્ઠ ઉપાય છે. જો નીચે મુજબના લક્ષણો દેખાય તો તરત જ તપાસ કરાવવી જોઈએ. જેમાં મોઢામાં કોઈ ગાંઠ થવી, મોઢા, જીભ કે હોઠ પરના ચાંદા ૩ અઠવાડિયા કરતાં વધુ સમય સુધી સાજા ન થવા, ખોરાક ચાવવામાં, ગળવામાં કે બોલવામાં તકલીફ પડવી, અવાજમાં અચાનક ફેરફાર થવો અથવા અવાજ બેસી જવો, મોઢાની અંદર લાલ કે સફેદ ડાઘ (ચકમા) દેખાવા જેવા લક્ષણો જોવા મળે તો નજરઅંદાજ ન કરવા જોઈએ, તેમ તબીબો કહે છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા મોં, સ્તન અને સર્વાઈકલ કેન્સર માટે મોટા પાયે સ્ક્રીનિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. કેન્સરથી બચવા માટે એક જ અમોઘ મંત્ર છે વ્યસનમુક્ત જીવન અને પ્રકૃતિ આધારિત આહારશૈલી.
- ગુજરાતમાં કેન્સરના ચોંકાવનારા આંકડા
ગુજરાતમાં વર્ષ ૨૦૨૫ દરમિયાન અંદાજે ૭૨,૭૫૯ નવા કેન્સરના કેસ નોંધાયા છે, એટલે કે દરરોજ સરેરાશ ૨૦૦ નવા દર્દી સામે આવી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષ (૨૦૨૧-૨૦૨૫)માં રાજ્યમાં ૩.૪૭ લાખથી વધુ લોકો કેન્સરથી પ્રભાવિત થયા છે. કુલ કેસોમાંથી આશરે ૪૨ ટકા કેસ તમાકુ સેવન સાથે સંકળાયેલા હોવાનું આરોગ્ય નિષ્ણાતો જણાવે છે.
- આ લક્ષણો દેખાય તો તરત તપાસ કરાવો
મોઢા કે ગળામાં ગાંઠ થવી, ત્રણ અઠવાડિયા સુધી ચાંદા સાજા ન થવા, ગળવામાં કે બોલવામાં તકલીફ પડવી, અવાજ બેસી જવો અથવા મોઢાની અંદર લાલ-સફેદ ડાઘ દેખાવા જેવા લક્ષણોને ક્યારેય અવગણવા નહીં. ડોક્ટરોના જણાવ્યા મુજબ કેન્સરનું વહેલું નિદાન જ સફળ સારવારની સૌથી મોટી ચાવી છે.