હાઉસિંગ બોર્ડના ભયજનક આવાસો પર બુલડોઝર તૈયાર?
- ભયજનક મકાનોમાં રહેતા લોકો માટે રેડ એલર્ટ જાહેર
- રાજકોટ મનપાના સહયોગથી ભયજનક આવાસોમાંથી પરિવારો ખસેડાશે, જરૂર પડે ત્રીજા તબક્કામાં ડીમોલેશન કરાશે : વિજય ગરચર
- રાજકોટ સહિત 12 જિલ્લામાં જર્જરિત આવાસ ખાલી કરવાનો આદેશ
સિટી ન્યૂઝ@રાજકોટ : ચોમાસા પૂર્વે રાજકોટ મહાનગરપાલિકાની બાંધકામ શાખાએ પ્રી મોન્સુન કામગીરી અંતર્ગત ૮૬૬ જેટલા જર્જરિત અને ભયજનક મકાનો-ફ્લેટોને નોટીસ ફટકારવામાં આવી છે.ત્યારે નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ ૨ પાસે આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડ કચેરી દ્વારા એક જાહેર નોટીસ ઈશ્યુ કરાઈ છે. જે મુજબ રાજકોટ, ભાવનગર,અમરેલી,કચ્છ, પોરબંદર,સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ જીલ્લાની જૂની અને પ્રાથમિક દ્રષ્ટીએ જર્જરિત આવસોને તત્કાલ ખાલી કરવા સુચના
અપાઈ છે.
જાહેર નોટિસમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ગુજરાત હાઉસિંગ બોર્ડના એક્ટ મુજબ એકવાર મકાનનો કબજો લાભાર્થીને સોંપાયા બાદ તેની જાળવણી, રિપેરિંગ અને મેઈન્ટેનન્સની તમામ જવાબદારી જે-તે માલિક અથવા એસોસિએશનની રહે છે. GDCR-૨૦૦૪ મુજબ પણ બિલ્ડિંગનું મેઈન્ટેનન્સ સમયંતરે માલિકે કરવાનું હોય છે. જો મકાન ખાલી ન કરવામાં આવે અને કોઈ અનિચ્છનીય બનાવ બને, તો તેની સંપૂર્ણ અંગત જવાબદારી રહેવાસીની રહેશે, બોર્ડ કે સરકારની કોઈ જવાબદારી રહેશે નહીં.
ગુજરાત હાઉસિંગ બોર્ડના કાર્યપાલક ઈજનેર વિજય ગરચર દ્વારા ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું છે કે અમારી નોટીસો ઈશ્યુ થઇ ગઈ છે. રાજકોટ મનપાની મદદથી ભયજનક આવાસમાંથી પરિવારજનોને ખસેડવામાં આવશે.આ બાદ જરૂર પડે ત્રીજા તબક્કામાં અથવા ભાવી સમયમાં આવાસોનું ડીમોલેશન કરાશે
ખાલી કરાવવા પાત્ર જર્જરિત આવાસોની યાદી
- રાજકોટ: શહેરની ડેરીલેન્ડ ખાતેની 456 LIG આકાશદીપ આવાસ, 120 MIG (જૂના/નવા), 48 MIG, 144 LIG લક્ષ્મીવાડી કોલોની, હસનવાડી, આનંદનગર (EWS ગ્રુપ-A, B, C), 307 હુડકો અને SIT કોલોની.
- જેતપુર: 144 LIG તાકુડીપરા અને 24 SIT કોલોની.
- મોરબી: સનાળા રોડ પર આવેલી 498 MIG કોલોની.
- વેરાવળ: 24 SIT ભાલકા કોલોની.
- જૂનાગઢ: હવેલીવાડી કોલોની.
- સુરેન્દ્રનગર: 108 MIG કૃષ્ણનગર કોલોની.
- પોરબંદર: કમલાબાગ ખાતેની 120 LIG અને રાજમહેલ રોડ પાસેના 24 SIT આવાસો.
- ગાંધીધામ: 512 KFTZ કોલોની.