દેશમાં ગૂનાઓમાં 6%નો ઘટાડો
- NCRBનો રિપોર્ટ: 2024માં કુલ 58.85 લાખ કેસ નોંધાયા
- મહિલાઓ અને SC અને ST વિરૂધ્ધના ગૂનાઓ પણ ઘટ્યા
સિટી ન્યૂઝ@નવીદિલ્હી : દેશભરમાં 2024માં નોંધાયેલા ગુનાઓની સંખ્યામાં 6 ટકાનો ઘટાડો થયો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) અનુસાર, 2023માં 62.41 લાખ કેસની સરખામણીમાં 2024માં 58.85 લાખ કેસ નોંધાયા હતા. આ માહિતી બુધવારે જાહેર કરાયેલા રિપોર્ટમાં આપવામાં આવી હતી.રિપોર્ટ અનુસાર, ક્રાઈમ રેટ એટલે કે પ્રતિ એક લાખ વસ્તીએ નોંધાયેલા કેસોની સંખ્યા પણ ઘટી છે. તે 2023માં 448.3થી ઘટીને 2024માં 418.9 થઈ ગઈ છે.
આના પરથી સ્પષ્ટ થાય છે કે કુલ કેસોની સાથે ગુના દરમાં પણ ઘટાડો થયો છે. 2024માં હત્યાના કુલ 27,049 કેસ નોંધાયા. આ 2023ની સરખામણીમાં 2.4% ઓછું છે. રિપોર્ટ અનુસાર, હત્યાના કેસોમાં સૌથી મોટું કારણ આપસી વિવાદ રહ્યું. ત્યારબાદ બદલો કે દુશ્મની અને લાલચ જેવા કારણો સામે આવ્યા.
મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં 1.5%નો ઘટાડો
મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં પણ 1.5%નો ઘટાડો નોંધાયો. મહિલાઓ વિરુદ્ધના ગુનાઓનો દર 2023માં 66.2થી ઘટીને 2024માં 64.6 થયો. 2024માં આવા 4.41 લાખ કેસ નોંધાયા, જ્યારે 2023માં આ સંખ્યા 4.48 લાખ હતી.અનુસૂચિત જાતિ (SC) વિરુદ્ધના ગુનાઓમાં પણ 3.6%નો ઘટાડો થયો.
2024માં 55,698 કેસ નોંધાયા, જ્યારે 2023માં આ સંખ્યા 57,789 હતી.અનુસૂચિત જનજાતિ (ST) વિરુદ્ધના ગુનાઓમાં 23.1%નો મોટો ઘટાડો નોંધાયો. 2024માં આવા 9,966 કેસ સામે આવ્યા, જ્યારે 2023માં 12,960 કેસ નોંધાયા હતા..'હર્ટ' એટલે કે ઈજા સંબંધિત કેસોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો. આ કેસ 2023માં 6.36 લાખથી ઘટીને 2024માં 4.41 લાખ રહ્યા, એટલે કે 30.58%નો ઘટાડો થયો.