જય મુરલીધર યુવા ગ્રુપ દ્વારા ભવ્ય જન્માષ્ટમી મહોત્સવનું આયોજન
કાઠીયાવાડી રાસ-ગરબા સાથે સામાજિક સમરસતા, સંસ્કાર અને સંગઠનનો સંદેશ અપાશે
સિટી ન્યૂઝ@રાજકોટ
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે જય મુરલીધર યુવા ગ્રુપ દ્વારા 'જન્માષ્ટમી મહોત્સવ-૨૦૨૬'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી ગુરુવાર, તા. ૦૩-૦૯-૨૦૨૬ના રોજ બપોરે ૪ વાગ્યાથી ખોડિયારનગર શેરી નં. ૩૫, જાગૃત હનુમાન ચોક, રાજકોટ-૩ ખાતે આ મહોત્સવ યોજાશે.
મહોત્સવ અંતર્ગત કાઠિયાવાડી રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની પ્રાચીન રાસ-ગરબાની પરંપરાને ઉજાગર કરવામાં આવશે. કાર્યક્રમના માધ્યમથી જીવન જીવવાની કળા, સામાજિક સમરસતા, ગૌરવ અને સંગઠનનો સંદેશ આપવામાં આવશે. સંતો-મહંતો, સામાજિક આગેવાનો, મહેમાનો તથા મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણીમાં જોડાશે.
જય મુરલીધર યુવા ગ્રુપ દ્વારા માત્ર ધાર્મિક કાર્યક્રમો પૂરતા જ નહીં પરંતુ વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે. સંસ્થા દ્વારા સમયાંતરે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજી જરૂરિયાતમંદ લોકોને આરોગ્યલક્ષી સેવા પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત જરૂરિયાતમંદ લોકોને કપડાં વિતરણ, રંગોળી સ્પર્ધા સહિતની પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવે છે.
જન્માષ્ટમી મહોત્સવને સફળ બનાવવા માટે સ્થાપક દિનેશભાઈ આહીર, પ્રમુખ આશિષભાઈ હેરભા અને ઉપપ્રમુખ જયપાલભાઈ પટગીર સહિત ગ્રુપના સભ્યો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કાર્યક્રમમાં સૌરાષ્ટ્રની પરંપરાગત સંસ્કૃતિની ઝલક સાથે યુવાનો અને સમાજમાં એકતા તથા સંગઠનનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ ભવ્ય જન્માષ્ટમી મહોત્સવમાં સૌ પરિવાર સાથે ઉપસ્થિત રહી ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી બને તે માટે આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.