Loading Please Wait !!!
જીતુ લાલ સાથે 20 કરોડની છેતરપિંડી

જામનગરના ઉદ્યોગપતિ : ગાંધીધામના વેપારી સામે ગુનો દાખલ

સીટી ન્યૂઝ@જામનગર

જામનગરના જાણીતા બિઝનેસમેન જીતુભાઈ લાલ અને તેમની કંપનીઓ સાથે રૂ. ૨૦.૫૦ કરોડથી વધુની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ઘટના સામે આવતા વેપારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ગાંધીધામની એક ખ્યાતનામ એજન્સીના ડાયરેક્ટરે લોન અને ભાડાની રકમ ન ચૂકવીને આ ગંભીર આર્થિક ગુનો આચર્યો છે. આ મામલે જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સમગ્ર વિગત એવી છે કે જામનગરના ઉદ્યોગપતિ જીતુભાઈ લાલની માલિકીની 'શ્રીજી શિપિંગ' અને તેની સિસ્ટર કન્સર્ન 'સિદ્ધિ મરીન સર્વિસીઝ' સાથે આ મોટું ફ્રોડ થયું છે. ગાંધીધામની મહેશ્વરી હેન્ડલિંગ એજન્સીના ડાયરેક્ટર ચંદનકુમાર મહેશ્વરીએ આ કંપનીઓ પાસેથી વિવિધ સેવાઓ મેળવી હતી. જોકે, આરોપી ચંદનકુમારે આ સેવાઓ પેટે ચૂકવવાની થતી કરોડો રૂપિયાની ભાડાની રકમ અને અન્ય ચાર્જીસ લાંબા સમયથી ચૂકવ્યા નહોતા અને કંપની સાથે વિશ્વાસઘાત કર્યો હતો.

આરોપી ચંદનકુમાર મહેશ્વરીની દાનત માત્ર ભાડાના નાણાં બાબતે જ નહીં, પરંતુ લીધેલી લોન પરત કરવામાં પણ બગડી હતી. તેણે જીતુભાઈ લાલની કંપનીમાંથી મોટી રકમની લોન લીધી હતી, જેમાંથી વ્યાજ સહિતની રૂ. ૪.૨૬ કરોડથી વધુની રકમ પણ પરત ન કરીને હાથ ઊંચા કરી દીધા હતા. આમ, ભાડાના ચાર્જ અને બાકી લોન મળીને કુલ રૂ. ૨૦.૫૦ કરોડથી વધુની રકમ ચાઉં કરી જવા બદલ હવે ગાંધીધામના આ ખ્યાતનામ ધંધાર્થી સામે જામનગરમાં કાયદાકીય સકિંજો કસાયો છે.