જુગાર ક્લબમાં PIનું ફાયરિંગ
- વેરાવળના જુગારના દરોડામાં ટોળાએ પોલીસને ઘેરી લેતા
- વેરાવળના કોળીવાળા વિસ્તારમાં તંગદિલી, જુગારીઓ નાસી છૂટ્યા
સીટી ન્યૂઝ@રવિ ખખ્ખર-ગીર સોમનાથ
સંવેદનશીલ શહેર એવા જિલ્લા મથક વેરાવળના કોળીવાળા વિસ્તારમાં ચાલતી જુગારની ક્લબ ઉપર મંગળવારે મોડીસાંજે સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા ગુપ્ત બાતમીના આધારે દરોડા પાડેલ ત્યારે હંગામો સર્જાયો હતો. SMC ના દરોડાની કાર્યવાહી દરમિયાન સ્થાનિક લોકોના ટોળા એકત્ર થઈ જતાં પરિસ્થિતિ તંગ બનતા SMC ના પીઆઈ જે.એચ. સીસોદીયાએ કાયદો-વ્યવસ્થા કાબૂમાં રાખવા હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું, જેના પગલે ખળભળાટ મચી ગયો હતો.
આ દરોડા અને હંગામા અંગે મળતી માહિતી મુજબ SMC ની ટીમ અત્રેના કોળીવાળા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડવા પહોંચી હતી. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયેલ અને પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ થયો હતો. જોકે, પરિસ્થિતિ વધુ ઉગ્ર બનતા અને ટોળું કાબૂ બહાર જવાની સ્થિતિ સર્જાતા પીઆઈ જે.એચ. સીસોદીયાએ આભરક્ષા તેમજ ભીડને વિખેરવા માટે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગના અવાજથી સમગ્ર કોળીવાળા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા હતા. તો બીજી તરફ વેરાવળ શહેર પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા બાદ વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી સ્થિતિને કાબૂમાં લીધી હતી.
આ દરોડા દરમિયાન જુગારમાં સંડોવાયેલા કેટલાક શખ્સો સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. જો કે, પોલીસને સ્થળ પરથી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી છે. આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી હોવાની સત્તાવાર માહિતી હજુ સુધી બહાર આવી નથી. આ સમગ્ર બનાવ અંગે SMCના પીઆઈ જે.એચ. સીસોદીયાએ બનાવની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, જુગાર અંગેની કાર્યવાહી દરમિયાન સ્થાનિક લોકોના ટોળા એકત્ર થઈ જતાં વ્યવસ્થા જાળવવા હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનામાં જુગારનો ગુનો તેમજ પોલીસની ફરજમાં હુમલો અને કામગીરીમાં રૂકાવટ અંગે બે અલગ-અલગ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ લખાય છે ત્યારે રાત્રે લગભગ ૮ વાગ્યા સુધી પોલીસની કાર્યવાહી ચાલુ હતી. હુમલાના પ્રયાસમાં કોણ-કોણ સંડોવાયેલું હતું, કેટલા લોકો સામે ગુનો નોંધાયો તેમજ જુગારના બેટવર્ક અંગેની વધુ વિગતો પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે. જો કે, આ સમગ્ર ઘટનાએ શહેર અને પંથકમાં ભારે ચર્ચા જગાવી છે.