ધોરણ 10-12 અને કોલેજમાં રૂપિયા આપી પાસ થવાની 100% ગેરંટી : શિક્ષણનો બ્લેક ધંધો
=> એજ્યુકેશનમાં ખુલ્લેઆમ વેપાર : વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલ
=> જૂનાગઢમાંથી કૌભાંડ પકડાયું 22 હજારથી 65 હજારમાં ડિગ્રીઓ અને માર્ક્સ વેચી રહ્યા છે
=> વિદ્યાર્થીને ખાલી લખતા અને વાંચતા આવડે એટલે પાસ થવાનું ફાઈનલ
=> કોલેજ ગયા વિના જ MBA કરાવી દેવાની ખાતરી
=> પરીક્ષા દરમિયાન ગેરકાયદેસર મદદ, તૈયાર મટિરિયલ અને ગોઠવણના આધારે વિદ્યાર્થીઓને પાસ કરાવવાનો કથિત કારોબાર સામે આવ્યો
સિટી ન્યૂઝ@જૂનાગઢ
જૂનાગઢમાં શિક્ષણના નામે ચાલી રહેલા એક કથિત કાળા કારોબારનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે કેટલીક ખાનગી એજન્સીઓ ધોરણ ૧૦, ધોરણ ૧૨ તેમજ કોલેજના વિવિધ કોર્સમાં વિદ્યાર્થીઓને "૧૦૦ ટકા પાસિંગ ગેરંટી" આપવાના દાવા કરી રહી છે. આ માટે વિદ્યાર્થીઓ પાસેથી રૂ.૨૨ હજારથી લઈને રૂ.૬૫ હજાર સુધીની રકમ વસૂલવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.
તપાસમાં એવો પણ આક્ષેપ થયો છે કે વિદ્યાર્થીઓને નિયમિત કોલેજ કે શાળામાં હાજરી આપવાની જરૂર પડતી નથી. માત્ર પરીક્ષા સમયે હાજર રહીને વિવિધ ગેરરીતિઓના આધારે તેમને પાસ કરાવવાની ખાતરી આપવામાં આવે છે.
સંચાલકો દ્વારા કેટલીક યુનિવર્સિટીઓ અને પરીક્ષા કેન્દ્રો સાથે ગોઠવણ હોવાના દાવા પણ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સમગ્ર શિક્ષણ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
આ કથિત નેટવર્ક માત્ર બી.એ., બી.કોમ. જેવા કોર્સ પૂરતું મર્યાદિત નથી, પરંતુ એમબીએ જેવા વ્યાવસાયિક કોર્સ માટે પણ પાસિંગ ગેરંટી સાથે પ્રવેશ અપાવવાની ઓફર કરી રહ્યું હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓને પરીક્ષા પૂર્વે તૈયાર મટિરિયલ, માર્ગદર્શન અને અન્ય સુવિધાઓ આપીને પાસ કરાવવાની વાતો ખુલ્લેઆમ કરવામાં આવી રહી છે.
સૌથી ગંભીર બાબત એ છે કે ધોરણ ૧૦ અને ૧૨ જેવી જાહેર પરીક્ષાઓમાં પણ ગેરરીતિ દ્વારા સફળતા અપાવવાના દાવા થઈ રહ્યા છે. જો આ આક્ષેપો સાચા સાબિત થાય તો તે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા માટે ગંભીર ચિંતાનો વિષય બની શકે છે. હવે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
પાસ કરાવવા ફ્રોડનું ફી માળખું
-
ધોરણ ૧૦ (CBSE) ફી : ૨૨,૦૦૦ (૫ ) પરીક્ષા કેન્દ્ર : જૂનાગઢ
-
ધો.૧૨-આર્ટસ/કોમર્સ ફી : ૨૫,૦૦૦ પરીક્ષા કેન્દ્ર: જૂનાગઢ જિલ્લાનું કોઈપણ કેન્દ્ર
-
ધો. ૧૨ સાયન્સ ફી : ૩૫,૦૦૦ પરીક્ષા કેન્દ્ર: જૂનાગઢ જિલ્લો
-
ધો ૧૨ (નાપાસ વિદ્યાર્થીઓ માટે આર્ટસ/કોમર્સ) ફી : ૨૩,૦૦૦ પરીક્ષા કેન્દ્ર : જૂનાગઢ જિલ્લામાં ૧૦ કિમીની અંદર
યુનિવર્સિટી કોર્સની ફી
-
BA ફી : ૩૫,૦૦૦ પરીક્ષા કેન્દ્ર : સુરેન્દ્રનગર યુનિ.
-
MBA ફી : ૬૫,૦૦૦ (૨ ) પરીક્ષા પદ્ધતિ : કોલેજ ગયા વગર સીધી જ પરીક્ષા