Loading Please Wait !!!
ભાજપ મંત્રી કાંતિ અમૃતિયાએ ખેડૂતોને દબાવવાનો પ્રયાસ કરતા સગા ભાઈએ ખેડૂત આંદોલનમાં સમર્થનમાં ખુલ્લેઆમ મેદાનમાં

સરકારની લાઈન તૂટી; મંત્રીના ભાઈએ જ ખેડૂતોનો ઝંડો ઉઠાવ્યો

■ કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાએ જણાવ્યું જ્યાં સુધી ખેડૂતોને તેમના હક્કનું વળતર નહીં મળે ત્યાં સુધી આ લડત અટકશે નહીં

■ રાકેશ અમૃતિયાએ કહ્યું : મારે હવે પરિવાર કે કોઈની દુશ્મની નથી મારે મારા બાપના ગામ માટે બલિદાન દેવું છે

મોરબીના જેતપર ગામે વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું હતું

સીટી ન્યૂઝ@મોરબી

મોરબીના જેતપર ગામે વીજ લાઇન નાખવા સામે ખેડૂતો દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનને હવે રાજકીય અને સામાજિક રીતે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. આ આંદોલન હવે સરકાર માટે માથાનો દુખાવો બની રહ્યું છે, કારણ કે આ લડતમાં ભાજપ સરકારના મંત્રી કાંતિલાલ અમૃતિયાના સગા ભાઈ પણ ખેડૂતોના સમર્થનમાં ખુલ્લેઆમ મેદાનમાં આવ્યા છે.

આજે જેતપર ગામના ચોકમાં આયોજિત રામધુન કાર્યક્રમ દરમિયાન મંત્રીના ભાઈ રાકેશભાઈ અમૃતિયાએ તીખા તેવર બતાવતા જણાવ્યું હતું કે, ‘જ્યાં સુધી ખેડૂતોને તેમના હક્કનું યોગ્ય વળતર નહીં મળે, ત્યાં સુધી આ લડત અટકશે નહીં. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તેઓ અત્યંત આક્રમક દેખાઈ રહ્યા છે. તેમણે ખેડૂતોને સંબોધતા કહ્યું કે, ‘મારે હવે પરિવાર કે કોઈની દુશ્મની નથી, મારે મારા બાપના ગામ માટે બલિદાન દેવું છે.’ આ નિવેદન બાદ આંદોલનને વધુ વેગ મળ્યો છે.

બીજી તરફ આજે જેતપરની મુલાકાત દરમિયાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે, ગુજરાતમાં જરૂરિયાત કરતા વધુ વીજળી છે, ત્યારે ખાનગી કંપનીઓએ અહીંના ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવાને બદલે તેનો લાભ લેતા અન્ય રાજ્યોમાં વ્યવસ્થા કરવી જોઈએ. તેમણે ૨૦૧૩ના જમીન સંપાદન કાયદા મુજબ માર્કેટ પ્રાઈસ કરતા ૪ ગણું વળતર આપવાની માંગ કરી છે. મેવાણીએ ખેડૂતો પર થઈ રહેલા કથિત અત્યાચાર અને પોલીસ દમનની ટીકા કરતાં ૧૫ જૂનના રોજ ગાંધીનગર ખાતે મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રી કાંતિ અમૃતિયાએ ખાનગીમાં આંદોલનકારી આગેવાનો સાથે મીટિંગ કરી આંદોલન સમેટી લેવા દબાણ કર્યું હતું, પરંતુ ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ પીછેહઠ કરશે નહીં. હાલમાં સમગ્ર પંથકમાં વીજ કંપની અને ખેડૂતો વચ્ચેનો આ વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે.