ખેડુતોનો ફરી હુંકાર: આંદોલન પાર્ટ-3 ગુજરાત વ્યાપી હશે !
જેતપરમાં ઉપવાસ ઉપર બેઠેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડતા પારણા કરાવાયા
સરકારે વીજપોલના વળતર માટે જાહેર કરાયેલી નવી નીતિને કારણે પારણા કરવામાં આવ્યા નથી આ નિર્ણય ઉપવાસીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યો છે
સિટી ન્યૂઝ@મોરબી
મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના પોલના વળતર મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનમાં નેહુલ અમૃતિયાની તબિયત લથડતાં તેમને રાત્રે પારણા કરાવવામાં આવ્યા હતા. આંદોલન સમિતિએ આજે બાકીના તમામ ઉપવાસીઓના પારણા કરાવવાની અને ત્યાર બાદ 'આંદોલન પાર્ટ ૩' શરૂ કરવાની જાહેરાત કરી છે.
છેલ્લા ૧૯ દિવસથી ઉપવાસ પર બેઠેલા નેહુલ અમૃતિયાની તબિયત ૧૮મા દિવસે મોડી રાત્રે બગડી હતી. તેમને પ્રથમ જેતપરની CHC અને બાદમાં મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. રિપોર્ટમાં તેમની કિડની અને લીવર પર સોજો જણાતા ડોક્ટરોએ તાત્કાલિક પારણા કરાવવાની સલાહ આપી હતી. હોસ્પિટલમાં હાજર ૨૫ જેટલા ખેડૂતો સાથે ચર્ચા કર્યા બાદ નેહુલભાઈને સમજાવીને રાત્રે પારણા કરાવવામાં આવ્યા હતા. હાલ તેઓ સારવાર હેઠળ છે.
આંદોલન સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે, ૧૮ દિવસથી ઉપવાસ કરી રહેલા નેહુલભાઈને કંઈ પણ થશે તો તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડશે. ઉપવાસીઓના સ્વાસ્થ્ય અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને આજે સોમવારે રાત્રે ૯:૩૦ કલાકે જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે બાકીના તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનો નિર્ણય લેવાયો છે.
સમિતિએ સ્પષ્ટતા કરી હતી કે, સરકાર દ્વારા વીજપોલના વળતર માટે જાહેર કરાયેલી નવી નીતિને કારણે પારણા કરવામાં આવી રહ્યા નથી. આ નિર્ણય માત્ર ઉપવાસીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લેવાયો છે. પારણા કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતોને જોડાવા આહવાન કરાયું છે. પારણા બાદ 'આંદોલન પાર્ટ ૩' માટેની રણનીતિ ખેડૂતો સમક્ષ રજૂ કરાશે. આ માટે માત્ર જેતપરના ખેડૂતોની નહીં, પરંતુ ગુજરાતભરના ખેડૂતોની સમિતિ બનાવીને વ્યાપક આંદોલન શરૂ કરવામાં આવશે.