કાલથી 23 જિલ્લાના ખેડૂતોનું આંદોલન પાર્ટ-3 શરૂ
ખેડૂતોએ કહ્યું, નવો પરિપત્ર ખેડૂતના હિતમાં નહીં કંપનીનાં હિતમાં છે !
સરકારના વીજપોલ વળતર અંગે જાહેર કરાયેલા નવા પરિપત્ર સામે ખેડૂતોમાં ભારે અસંતોષ
સીટી ન્યૂઝ@મોરબી
મોરબીના જેતપર ગામે છેલ્લા ૧૯ દિવસથી ચાલી રહેલું ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન (પાર્ટ ૨) ભલે સમેટી લેવાયું હોય, પરંતુ સરકાર અને ખાનગી વીજ કંપનીઓ સામેની લડત હજુ પૂરી થઈ નથી. સરકાર દ્વારા વીજપોલના વળતર અંગે જાહેર કરાયેલા નવા પરિપત્ર સામે ખેડૂતોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે, જેને પગલે ખેડૂત આગેવાનોએ હવે 'આંદોલન પાર્ટ ૩' શરૂ કરવાનું એલાન કરી દીધું છે. ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં નાખવામાં આવતા વીજપોલ અને વીજ વાયર સામે પૂરતું અને યોગ્ય વળતર મેળવવાની માંગ સાથે જેતપર ગામના ખેડૂતો છેલ્લા ૧૯ દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. સતત ઉપવાસના કારણે ખેડૂતોની તબિયત લથડી રહી હતી અને શારીરિક નુકસાન થાય તેવી સ્થિતિ ઉભી થઈ હતી.
આ પરિસ્થિતિને ધ્યાને રાખીને, આજે બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગત તેમજ જુદા-જુદા ગામના ખેડૂતો અને સમાજની દીકરીઓના હસ્તે ઉપવાસીઓને પારણા કરાવી આંદોલનનો બીજો તબક્કો (પાર્ટ ૨) પૂર્ણ કરવામાં આવ્યો હતો. જોકે, આ ઉપવાસ છાવણી ખાતેની જ આગામી લડતની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આંદોલનના અગ્રણી ગેહલભાઈ અમૃતિયાએ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કરતા આંકડાકીય માહિતી રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા વીજપોલના વળતર માટે જે નવી નીતિનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે,
તેનાથી દરેક ખેડૂતને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડશે. આ નવા પરિપત્ર મુજબ ખાનગી વીજ કંપનીઓ ખેડૂતોને માત્ર લાખો રૂપિયાનું જ વળતર આપીને સંતોષ માની લેશે, જે ખેડૂત સાથે અન્યાય છે. હાલ પૂરતો જેતપર ગામના તમામ ખેડૂત દ્વારા સરકારના નવા પરિપત્રનો સદંતર અસ્વીકાર કરવામાં આવ્યો છે. આ અન્યાયી પરિપત્ર સામે હવે રાજ્યવ્યાપી લડત આપવા માટે ખેડૂતો સજ્જ બન્યા છે.
આગામી દિવસોનું આયોજનમાં આગામી ૮-૯ જુલાઈ બુધવાર અને ગુરુવારે ગુજરાતના ૨૩ જિલ્લાના ખેડૂત આગેવાનોને મોરબીના જેતપર ગામે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ બેઠકમાં સરકારના નવા પરિપત્ર અંગે ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવશે અને તેમાં કેવા ફેરફારો કરવાથી ખેડૂતોને મહત્તમ ફાયદો થઈ શકે તે અંગે આયોજન કરાશે. આ બેઠક બાદ એક નવી કમિટીની રચના કરવામાં આવશે, જેમાં ખેડૂતોનું હિત ઈચ્છતા, નિષ્પક્ષ અને પ્રમાણિક આગેવાનોનો સમાવેશ કરાશે. આ કમિટી આગામી દિવસોમાં સરકાર અને ખાનગી વીજ કંપનીઓ સામે આરપારની લડાઈ લડશે.