કિર્તી પટેલનો પોલીસ સ્ટેશન બહાર ઉપાડો!
- કિર્તી પટેલ અને સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે FIR
- ભાવનગરના બોરડા ગામના સરપંચના પતિ અને વેપારી રાજુ ભમ્મરે આ બંને સામે તેમના પરિવારની સોશિયલ મીડિયા પર બદનક્ષી કરવા ધમકી આપવાનો ગુન્હો નોંધાયો
- પોલીસ સ્ટેશન બહાર કિર્તીએ વીડિયો બનાવ્યો... 'એ રાજુ તને કદાચ કાયદાની ખબર નથી હાલ સમજાવું'
સીટી ન્યૂઝ@સુરત
પોતાના વિવાદિત નિવેદન અને સોશિયલ મીડિયા પોસ્ટને કારણે હંમેશા ચર્ચામાં રહેતી સોશિયલ મીડિયા સ્ટાર કિર્તી પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં આવી છે. સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં કિર્તી પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે. ભાવનગરના બોરડા ગામના સરપંચના પતિ અને વેપારી રાજુ ભમ્મરે આ બંને સામે તેમના પરિવારની સોશિયલ મીડિયા પર ભયંકર બદનક્ષી કરવા અને ધમકી આપવા અંગે પુણા ગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયો અનુસાર, કિર્તી રણછોડભાઈ અડાલજા પુણા પોલીસ સ્ટેશનની બહાર આક્રમક મૂડમાં જોવા મળી હતી. તેણે બૂમો પાડતા કહ્યું કે, બહુ થયું, હવે ખોટા કેસ એક પણ સહન નહીં કરું. તેણે જાહેરમાં આક્રોશ વ્યક્ત કરતા ફરિયાદ કરનાર રાજુ નામના વ્યક્તિને પણ ખુલ્લો પડકાર ફેંક્યો હતો અને જણાવ્યું હતું કે જો કોઈ ફરિયાદ કરવી હોય તો પોલીસ સ્ટેશનની બહાર જ ઉભી છે, સામે આવીને બતાવે. કિર્તીએ પોતાના પર થયેલા કેસોને ખોટા ગણાવી સામે બદનક્ષીનો દાવો કરવાની પણ ધમકી ઉચ્ચારી હતી.
પુણા ગામ પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૨૯૫(બી), ૩૫૧(૨), ૩૫૬(૩), ૫૪(આઈ) તેમજ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) એકટની કલમ ૬૭ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર. એચ. મોરીને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કિર્તી પટેલ વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ અને વિવાદો સામે આવી ચૂક્યા છે અને તે હંમેશા વિવાદોમાં ઘેરાયેલી રહે છે.
ફરિયાદી રાજુ ભમ્મરે જણાવ્યું હતું કે, તેઓ અગાઉ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતી અને હાલમાં સસ્પેન્ડેડ નયના બારૈયા સાથે આશરે ૨૧ મહિના સુધી લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યા હતા. આ સંબંધ પૂરો થયા બાદ, નયના બારૈયાની ઉશ્કેરણી અને કહેવાથી જ કિર્તી પટેલે રાજુભાઈ અને તેમના પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ઝેર ઓકવાનું અને બદનામ કરવાનું પૂર્વયોજિત પદ્યંતર રચ્યું હતું.
ગત ૫ જૂન, ૨૦૨૬ના રોજ કિર્તી પટેલે રાજુભાઈના મોબાઈલ પર વોટ્સએપ કોલ કરીને તેમની પત્ની (જેઓ ગામના સરપંચ છે) ને તેમના જ સગા ભાઈ સાથે અનૈતિક સંબંધ હોવાના ગંભીર અને ખોટા આક્ષેપો કર્યા હતા.