Loading Please Wait !!!
ચુવાળિયા કોળી જ્ઞાતિ મંડળનો 25મો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ

સિટી ન્યૂઝ@રાજકોટ

શ્રી ચુવાળિયા કોળી જ્ઞાતિ મંડળ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા ૨૫મો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ-૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ તા. ૩૦ ઓગસ્ટ, રવિવારના રોજ બપોરે ૧:૩૦થી સાંજે ૯ વાગ્યા સુધી ટાગોર રોડ ખાતે આવેલા હેમુ ગઢવી ઓડિટોરિયમમાં યોજાશે.

સમારોહ દરમિયાન સમાજના કુલ ૯૫૫ તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર તથા શૈક્ષણિક કીટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવશે. જેમાં ૪૯૫ કન્યાઓ, ૪૫૨ કુમારો અને ૯ સ્પોર્ટ્સ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની શરૂઆત ગંગાસ્વરૂપ બહેનોના હસ્તે દીપપ્રાગટ્યથી કરવામાં આવશે.

955 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાશે, સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે શૈક્ષણિક કીટ અને શિલ્ડ-પ્રમાણપત્ર અપાશે

આ પ્રસંગે સંતો, દાતાઓ, રાજકીય અગ્રણીઓ તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહી તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરી તેમના ઉજ્જ્વળ શૈક્ષણિક ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરશે. સમાજહિતમાં નોંધપાત્ર સેવાઓ આપનાર સ્વર્ગસ્થ આગેવાનોની સ્મૃતિને યાદ કરી તેમના પરિવાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના હેતુથી સ્મૃતિ ગૌરવ સન્માન પણ અર્પણ કરવામાં આવશે.

શ્રી ચુવાળિયા કોળી જ્ઞાતિ મંડળ ટ્રસ્ટ ૧૯૬૪થી રાજકોટ ખાતે કાર્યરત રહી સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ બાબુભાઈ ઉધરેજા, કારોબારી સભ્યો તથા કાર્યકર્તાઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

સમારોહનું અધ્યક્ષસ્થાન ચુવાળિયા કોળી સમાજના સંજયભાઈ પીપળીયા, પ્રમુખ રાજકોટ જિલ્લા પંચાયત, શોભાવશે. સંસ્થાના માનદ મંત્રી લક્ષમણભાઈ વાવેસાએ જણાવ્યું હતું કે, ૨૫મો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ વિદ્યાર્થીઓની મહેનત અને સિદ્ધિને બિરદાવવાની સાથે સમાજની નવી પેઢીને શિક્ષણ અને પ્રગતિના માર્ગે આગળ વધવા પ્રેરણા આપવાનો પ્રયાસ છે.

સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ, આગેવાનો તથા સમાજબંધુઓને કાર્યક્રમમાં સમયસર ઉપસ્થિત રહી તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે 70964 10001 પર સંપર્ક કરી શકાય છે.