Loading Please Wait !!!
સિંહ દર્શનની મજા લેવા ગયેલ યુવાનને સિંહે ફાડી ખાધો

અમરેલીના લીલીયા ગામનો બનાવ

મેટિંગ પિરિયડમાં સિંહ વધુ આક્રમક બનતા હોવાની શક્યતા: સવા મહિનામાં સિંહ હુમલાની ૭મી ઘટના

સીટી ન્યૂઝ@અમરેલી

અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહના હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. લીલીયા તાલુકાના અંટાલીયા ગામ નજીક આવેલા જંગલના વીડી વિસ્તારમાં સિંહ દર્શન કરવા ગયેલા યુવાનોના જૂથ પર સિંહે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં સોહિલ રફીકભાઈ નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક માહિતી અનુસાર, આશરે ૮ થી ૧૦ જેટલા યુવાનો જંગલ વિસ્તારમાં સિંહ દર્શન કરવા માટે ગયા હતા, તે દરમિયાન સિંહ અને સિંહણના મેટિંગ પિરિયડમાં તેમની હાજરીથી ભરેલ પહોંચ્યા સિંહ અચાનક આક્રમક બન્યો અને યુવકો પર હુમલો કર્યો. હુમલો એટલો અચાનક હતો કે યુવકોને બચવાનો મોકો પણ મળ્યો નહીં. અન્ય યુવાનો જીવ બચાવવા માટે સ્થળ પરથી ભાગી છૂટ્યા, જ્યારે સોહિલ રફીકભાઈ સિંહના હુમલાનો ભોગ બન્યા. વન્યજીવ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સિંહોના મેટિંગ પિરિયડ દરમિયાન તેઓ પોતાના વિસ્તાર અને સાથીની સુરક્ષાને લઈને અત્યંત સતર્ક અને આક્રમક બની જાય છે. આવા સમયે જંગલમાં અનધિકૃત રીતે પ્રવેશ કરવો અથવા સિંહોની નજીક જવાનો પ્રયાસ કરવો જીવલેણ સાબિત થઈ શકે છે. પ્રાથમિક તપાસમાં પણ એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે દર્શન માટે ગયેલા યુવાનો અજાણતા સિંહ બેલડીની ખૂબ નજીક પહોંચી ગયા હતા, જેના કારણે સિંહે હુમલો કર્યો. જોકે ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે વન વિભાગ દ્વારા સ્થળનું નિરીક્ષણ કરી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી, જ્યારે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા સ્થાનિક લોકો અને પ્રવાસીઓને જંગલ વિસ્તારમાં બિનઅધિકૃત પ્રવેશ ન કરવા તેમજ સિંહ દર્શન માટે જોખમી વિસ્તારોમાં ન જવા અપીલ કરવામાં આવી છે. વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે જંગલી પ્રાણીઓના કુદરતી રહેઠાણ વિસ્તારમાં તેમની સુરક્ષા અને માનવીય સલામતી બંને માટે નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે. અમરેલી જિલ્લામાં છેલ્લા સવા મહિનામાં સિંહ હુમલાની આ સાતમી ઘટના નોંધાઈ છે. આ સમયગાળા દરમિયાન બગસરા તાલુકાના ધંટીયાળ, સાવરકુંડલાના જીબાસર, રાજુલાના કોવાચા, ખાંભાના ચતુર અને હવે લીલીયાના વીડી વિસ્તારમાં સિંહ હુમલાની ગંભીર ઘટનાઓ બની છે.