મેઘરાજાને મનાવવા વેરાવળના વેપારીઓની સોમનાથ સુધી પદયાત્રા
26 વર્ષની પરંપરા જાળવી 7 કિમી ચાલ્યા, સારા વરસાદ માટે મહાદેવ સમક્ષ પ્રાર્થના
સીટી ન્યૂઝ@ગીર સોમનાથ - રવિ ખખ્ખર
સમગ્ર ગુજરાત સહિત ગીર સોમનાથ જિલ્લામાં વરસાદના વિલંબને કારણે વેરાવળ જથ્થાબંધ અનાજ-કરિયાણા વેપારીઓએ સોમનાથ મંદિર સુધી પદયાત્રા યોજી મેઘરાજાની કૃપા વરસાવવા માટે આ ધાર્મિક પરંપરા જાળવવામાં આવી હતી. વેરાવળ વજારિયા બજારથી શરૂ થયેલી આ પદયાત્રા આશરે સાત કિલોમીટરનું અંતર કાપી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સમાપ્ત થઈ હતી. વેરાવળ જથ્થાબંધ અનાજ-કરિયાણા વેપારી મંડળ દ્વારા આયોજિત આ પદયાત્રા છેલ્લા ૨૬ વર્ષથી નિયમિતપણે યોજાય છે. વેપારીઓના મતે, વરસાદ ખેંચાય ત્યારે ભગવાન સોમનાથને પ્રાર્થના કરીને મેઘરાજાને મનાવવામાં આવે છે.
સારો અને સમયસર વરસાદ વરસે ત્યારે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આભાર પદયાત્રા પણ યોજાય છે. આ વર્ષે વરસાદમાં વિલંબ થતાં વેપારી મંડળના પ્રમુખ અશોક ગદાનીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં વેપારીઓ પદયાત્રામાં જોડાયા હતા. યાત્રા દરમિયાન વેપારીઓએ રામધૂન અને ભગવાન શિવના જયઘોષ કર્યા હતા. માર્ગમાં અનેક સ્થળોએ સ્થાનિક લોકોએ યાત્રાળુઓનું સ્વાગત કર્યું હતું. વેપારીઓએ સોમનાથ મહાદેવના દર્શન કરી સમગ્ર ગીર સોમનાથ સહિત રાજ્યભરમાં સારો વરસાદ વરસે તેવી પ્રાર્થના કરી હતી. તેમણે ખેડૂતોના ખેતરો લીલાછમ બને, જળાશયો છલકાય અને સર્વ સમાજ સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરે તેવી કામના કરી હતી.
વેરાવળના વેપારીઓની આ પદયાત્રા માત્ર ધાર્મિક વિધિ પૂરતી મર્યાદિત નથી. તે વર્ષો જૂની સામૂહિક આસ્થા, સામાજિક સંકલન અને પ્રકૃતિ પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતિક બની ગઈ છે. દર વર્ષે મોટી સંખ્યામાં વેપારીઓ સ્વયંભૂ રીતે તેમાં જોડાઈ પરંપરા જાળવી રાખે છે, જે શહેરની આગવી ઓળખ બની છે.