રૂ.7.20 લાખની રોકડ સાથે 8 પત્તાપ્રેમીઓ ઝબ્બે: નામચીન શખ્સો પકડાયા
સીટી ન્યૂઝ@રાજકોટ
રવાપર ગામ નજીક આવેલી શક્તિ ટાઉનશીપના એક ફ્લેટમાં હાર-જીતનો જુગાર રમી રહેલા ઘરધણી સહિત કુલ ૮ શખ્સોને મોરબી એ-ડિવિઝન પોલીસે રૂ. ૭.૨૦ લાખની માતબર રોકડ રકમ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મોરબી એ-ડિવિઝન પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે ચોક્કસ હકીકત મળી હતી કે રવાપર ગામે આવેલ શક્તિ ટાઉનશીપના આધ્યા હાઇટ્સ ના બ્લોક નંબર ૨૦૪ માં જુગારની મોટી મહેફિલ જામી છે. આ બાતમીના આધારે પોલીસે તુરંત જ ફ્લેટમાં જુગારની રેડ કરી હતી. રેડ દરમિયાન ફ્લેટની અંદર પત્તા વડે હાર-જીતનો જુગાર રમતા ૮ શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી રૂ. ૭,૨૦,૦૦૦ ની રોકડ રકમ કબજે કરી તમામની અટકાયત કરી હતી. મોરબી શહેરના રવાપર રોડ પર શક્તિ ટાઉનશીપમાં આવેલ આધ્યા હાઇટ્સમાં ફ્લેટમાં જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપી (૧) રસીકભાઇ ગણેશભાઇ પટેલ (૨) પ્રકાશભાઇ વશરામભાઇ પટેલ (૩) ભરતભાઇ ગોરધનભાઇ સવસાણી (૪) જેન્તીલાલ ગાંડુભાઇ ઠોરીયા (૫) મીઠાલાલ મનજીભાઇ પટેલ (૬) યોગેશભાઇ ભીમજીભાઇ અમુતિયા (૭) ગણેશભાઇ નરભેરામભાઇ પટેલ અને (૮)પ્રભુભાઇ સુંદરજીભાઇ ભાલોડીયાને રોકડા રૂપિયા ૭.૨૦ લાખ સાથે તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતા. સીટી એ ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ વિરૂદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.
મોરબીમાં દારૂની 18 બોટલ સાથે એક પકડાયો
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં ઘરમાંથી વિદેશી દારૂની નાની ૧૮ બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ સાથે આરોપીની ધરપકડ કરી હતી. એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગ હતી ત્યારે લાતી પ્લોટ શેરી નં. ૧૨ માં રહેતા તોફીક ઉર્ફે ડોકડો દાઉદ ચાનિયાના ઘરમાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની ૧૮ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૧,૮૦૦ રૂપિયાનો દારૂ કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ઇકબાલ જુસબભાઈ કટીયા રહે. મચ્છુ પીક નું નામ સામે આવ્યું હતું જેથી બે શખ્સો સામે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.