ખેડૂતોનો કઠોર સંકલ્પ; કાલથી અન્નનો ત્યાગ ! રાજકીય નેતાઓને ‘નો એન્ટ્રી’
મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલન પાર્ટ-2: પ્રતિક ઉપવાસ બાદ
વીજ લાઈનના યોગ્ય વળતર માટે ખેડૂતો માત્ર જળ ગ્રહણ કરી આમરણાંત ભૂખ હડતાલ પર ઉતરશે
સિટી ન્યૂઝ@મોરબી
મોરબીના જેતપર ગામે વીજલાઈનના યોગ્ય વળતર સહિતના પોતાના હકો માટે ખેડૂતો દ્વારા ચલાવવામાં આવી રહેલી લડત હવે વધુ ઉગ્ર અને નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. છેલ્લા ૧૦ થી ૧૨ દિવસથી શાંતિપૂર્ણ રીતે પ્રતિક ઉપવાસ પર બેઠેલા ખેડૂતોએ હવે આરપારની લડાઈનું એલાન કર્યું છે. આવતીકાલ એટલે કે ગુરુવારથી આ ખેડૂત આંદોલનનો 'પાર્ટ-૨' શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં ખેડૂતો અન્નનો સંપૂર્ણ ત્યાગ કરી આમરણાંત ઉપવાસ એટલે કે ભૂખ હડતાળ પર ઉતરશે. આ નવી લડત અંતર્ગત ખેડૂતો અન્ય કોઈ પણ પ્રકારનું અન્ન કે પ્રવાહી લીધા વિના માત્ર પાણી જ ગ્રહણ કરશે અને આ પ્રક્રિયા માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી સતત ચાલુ રાખવામાં
આવશે. આ આંદોલનની શરૂઆત કરવા માટે આવતીકાલે સવારે ૯:૦૦ વાગ્યે મોટી સંખ્યામાં ખેડૂતો આંદોલન સ્થળે એકઠા થશે. ત્યારબાદ સવારે ૧૦:૦૦ વાગ્યે સાધુ-સંતોની પ્રેરક ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને આ આમરણાંત ઉપવાસના કાર્યક્રમને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવશે. આ મહત્વપૂર્ણ લડતમાં જેતપર ગામ સહિત આજુબાજુના અનેક ગામના ખેડૂતો ખાસ હાજર રહેવાના છે.
ખેડૂતોએ મીડિયા સમક્ષ સ્પષ્ટ કર્યું છે કે, આ આંદોલન માત્ર અને માત્ર જગતના તાતની પોતાની પડતર માંગણીઓ માટેની લડત છે. આથી, આ લડતમાં કોઈ પણ રાજકીય પક્ષના આગેવાનો કે રાજકારણીઓને જોડાવા દેવામાં આવશે નહીં.
આ આંદોલનને સંપૂર્ણપણે બિનરાજકીય રાખવામાં આવ્યું છે. આ લડતમાં હવે મહિલા શક્તિ પણ ખૂબ મોટી સંખ્યામાં સક્રિય થઈ છે. વળતરના હક માટે સરકારને જગાડવાના આ ભગીરથ પ્રયાસમાં સમગ્ર મોરબી જિલ્લાના તમામ ખેડૂત ભાઈઓ, બહેનો અને માતાઓને સહભાગી થવા માટે જેતપર ગામના ખેડૂતો દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે. ખેડૂતોના આ આકરા વલણને પગલે હવે તંત્ર અને સરકાર પર દબાણ વધે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.