નાગેશ્વર મંદિરનાં ટ્રસ્ટીએ જમીન ખરીદવા ડમી જમીન માલિક ઉભો કરી બોગસ દસ્તાવેજો કર્યા !
પોલીસ તપાસમાં સનસનાટીપૂર્ણ તથ્યો પ્રકાશમાં આવતા ખળભળાટ
-
જામનગરનાં શખ્સને બરડીયાની જમીનનો ડમી માલિક બનાવી બોગસ આધારકાર્ડ બનાવ્યું
-
પોલીસ જાગે તો જામનગરમાં નકલી આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ પણ ઝડપાઈ શકે!
સિટી ન્યૂઝ@દ્વારકા
નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનાં ટ્રસ્ટીઓમાં એક પછી એક વિવાદ પ્રકાશમાં આવતા રહે છે. ચેતન માલદેભાઈ ગોહેલ નામના ટ્રસ્ટી વિરુદ્ધ બરડીયા ગામે આવેલ જમીન બોગસ દસ્તાવેજો કરી ખરીદી કરી વેચી નાખવાનું કૌભાંડ કરવાનો આરોપ છે તથા કાનૂની જંગ ચાલી રહ્યો છે. દરમ્યાન પોલીસ તપાસમાં સનસનાટીપૂર્ણ તથ્યો પ્રકાશમાં આવ્યા છે. દ્વારકામાં બેટરી અને ટાયરની દુકાન ચલાવતો ચેતન ગોહેલ નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ટ્રસ્ટી છે. તેણે બરડીયા ગામે એક જમીન લેવાની તજવીજ કરી હતી.જે જમીનનાં અડધો ભાગ તલાટી મંત્રી મુકેશભાઈ રાવલનાં પત્ની હર્ષિદાબેન માર્કંડરાય પંચોલીનો તથા અડધો ભાગ રણછોડદાસ વિઠ્ઠલદાસ નામના વ્યક્તિનો હતો.બરડીયા ગામના પૂર્વ સરપંચ વરપાભાઈએ ચેતન ગોહેલને તલાટી મંત્રી મુકેશભાઈ રાવલ સાથે વેચાણનું ગોઠવી આપવાનું જણાવેલ. તથા વરપાભાઈનાં દિકરા અશોકે અન્ય જમીન માલિક રણછોડદાસ વિઠ્ઠલદાસની જમીન ડમી માલિક ઉભો કરી બોગસ આધારકાર્ડ વગેરે બનાવી વેચાણ કરી આપવાનો તખ્તો ગોઠવ્યો હતો.આ પ્રકરણમાં અશોકે ચેતન ગોહેલ ને જામનગરમાં કિશોરગર હેમગર ગોસાઈ ઉર્ફે ‘છોટુ મહારાજ’ નો સંપર્ક કરાવ્યો હતો. છોટુ મહારાજે જયેન્દ્ર વાઘેલા નામના શખ્સ મારફત મૂળ જમીન માલિક રણછોડદાસ વિઠ્ઠલદાસની ઈંભરમાં જ જયેન્દ્ર શેઠ નામનાં માણસને શોધી કાઢી તેને ડમી માલિક બનાવી બોગસ આધાર કાર્ડ બનાવી આનુષંગિક પ્રક્રિયાઓ કરી તેનાં ઉપયોગ વડે દસ્તાવેજ તૈયાર કરાવ્યો હતો. ચેતન ગોહેલે હર્ષિદાબેનવાળા દસ્તાવેજમાં જમીનની કિંમત ૧ લાખ ૫૦ હજાર દર્શાવી હતી. જ્યારે હકીકતમાં બંને જમીન ખરીદવા કુલ ૫ કરોડ જેટલી કિંમત ચૂકવવામાં આવી હોવાની ચેતન દ્વારા કબૂલાત કરવામાં આવી છે. જે પૈકી રણછોડદાસ વિઠ્ઠલદાસ વાળી જમીન પેટે અશોકને રૂ. ૧ કરોડ ૯૦ લાખ ચૂકવાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ડમી જમીન માલિક ઉભો કરી બોગસ દસ્તાવેજનાં ઉપયોગ કરી કરોડોની જમીન ખરીદવા નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનાં ટ્રસ્ટી ચેતન પાસે ખૂટતાં તેણે નાગેશ્વર મંદિરનાં પૂજારી મહેન્દ્રભારતી ગોસ્વામી પાસેથી ૪૦ લાખ ઉછીનાં લીધા હતાં. આમ એક રીતે મંદિરનાં પૈસાનો ગેરકાનૂની કૃત્યમાં ઉપયોગ કર્યાનું પ્રાથમિક ચિત્ર ઉપસે છે.જે પછી ચેતન ગોહેલે આ જમીન ખંભાળિયાનાં કાલુબાઈ ભીમાભાઈ પંડારીયા નામનાં શખ્સને કુલ ૫ કરોડ ૮૦ લાખમાં વેચી નાંખી હતી અને ૮૦ લાખનો નફો મેળવ્યો હતો.આ અંગે જાણ થતા મૂળ જમીન માલિક રણછોડદાસ વિઠ્ઠલદાસનાં વારસદારોએ વાંધા અરજી દાખલ કરેલ જે મદદનીશ કલેક્ટરે ગ્રાહ્ય ન રાખતા તેઓએ દ્વારકા સિવિલ કોર્ટમાં દાવો કરેલ છે. જે કાનૂની લડાઈ હાલ ચાલી રહી છે. આ દરમ્યાન ચેતન ગોહેલે ડમી જમીન માલિક જયેન્દ્ર શેઠને રણછોડદાસ વિઠ્ઠલદાસ તરીકે હાઈકોર્ટમાં પણ રજૂ કરી અરજી કરાવી કાનૂની પ્રક્રિયાઓમાં પણ કૌભાંડ કર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. નાગેશ્વર જ્યોતિર્લિંગનાં ટ્રસ્ટી ચેતને ખરીદેલી જમીનનાં વેચાણમાં થી થયેલ કૌભાંડ કરી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનાં પૂજારી મહેન્દ્રભારતી ગોસ્વામીને ૪૦ લાખ ચૂકવી ઉધારી પૂર્ણ કરી હતી. આમ સમગ્ર પ્રકરણમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનાં ટ્રસ્ટી - પૂજારીની સંડોવણીથી મંદિરનાં સંચાલકોની છબી વધુ ખરડાઈ છે.
- છોટુ મહારાજ કોણ છે? પકડા વો જરૂરી
- જામનગરમાં ડમી માણસ ઉભો કરી બોગસ આધારકાર્ડ બનાવ્યું: આ નેટવર્ક વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવી જોઈએ
સ સમગ્ર પ્રકરણમાં ડમી જમીન માલિક ઉભો કરવાની અને બોગસ દસ્તાવેજો બનાવવાની કામગીરી જામનગરમાં કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જેમાં જયેન્દ્ર વાઘેલા નામનાં શખ્સ મારફત મળી આવેલ જયેન્દ્ર શેઠ નામની વ્યક્તિ રણછોડદાસ વિઠ્ઠલદાસ જોશી તરીકે ડમી જમીન માલિક બને છે તથા કિશોરગર હેમગર ગોસાઈ ઉર્ફે ‘છોટુ મહારાજ’ તેનાં બોગસ દસ્તાવેજો બનાવવાનો તખ્તો ગોઠવે છે.જયેન્દ્ર વાઘેલા, જયેન્દ્ર શેઠ અને ‘છોટુ મહારાજ’ આ ત્રણેય વ્યક્તિને આ પ્રકરણમાં રૂ. ૧-૧ લાખ ચૂકવવામાં આવ્યા હોવાનું તપાસમાં ખૂલ્યું છે. આ મુદ્દે જામનગર પોલીસે તપાસનાં ચક્રોગતિમાન કરવાની જરૂર છે. જામનગરમાં નકલી આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાઈ શકે અને કદાચ એ રાજયવ્યાપી પણ હોઈ શકે.આમ સંગઠિત ગુનાખોરી કરતા આ શખ્સો વિરુદ્ધ ગુજસીટોક અંતર્ગત કાર્યવાહી કરવી જોઈએ એવી પણ માંગ ઉઠી છે.