Loading Please Wait !!!
‘પાણીદાર’ ગુજરાત ચાર દિવસ ‘ભારેખમ’ !

48 કલાક જોખમ; 11 જિલ્લાઓમાં પૂરનું ગંભીર સંકટ

દરિયાકાંઠે હાઈ એલર્ટ, 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા આદેશ; 3 નંબરનું સિગ્નલ બાદ દરિયામાં હાઈટાઈટ સ્થિતિ

માળિયા હાટિનામાં 11 ઈંચ ત્રણ દિવસમાં 29 ઈંચ : ભાખરવડ ડેમ ઓવરફ્લો

 

સિટી ન્યૂઝ@ગાંધીનગર

ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ બરાબરની સક્રિય થઈ ગઈ છે. હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના નાગરિકો અને વહીવટી તંત્ર માટે આગામી ૭ દિવસ અત્યંત સતર્ક રહેવાની કડક સૂચના જારી કરવામાં આવી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયેલા મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે સમગ્ર ગુજરાતમાં આગામી એક અઠવાડિયા સુધી સાર્વત્રિક લો-પ્રેશર સક્રિય રહેશે, જેને પગલે ગાજવીજ અને પ્રચંડ પવન સાથે મુશળધાર વરસાદ વરસે તેવી પૂરેપૂરી સંભાવના છે.

આજે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી અને ભરૂચ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને સુરત શહેર અને માંગરોળ પંથકમાં ‘અતિભારે’ વરસાદનું એલર્ટ હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

સૌરાષ્ટ્ર અને તેને અડીને આવેલા દીવ પંથકમાં પણ કુદરતનો પ્રકોપ જોવા મળી શકે છે. રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણ પલટાતા દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદ દરમિયાન ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાશે.

દરિયામાં સર્જાયેલા ભારે ડિપ્રેશન અને તેજ પવનને કારણે માછીમારોની સુરક્ષા માટે આગામી ૫ દિવસ સુધી દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. બંદરો પર ભયસૂચક સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે. બીજી તરફ, મધ્ય અને ઉત્તર ગુજરાતના અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની ચેતવણી છે.

  • ગીર પંથકમાં સમગ્ર સિઝનનો 100% વરસાદ
  • દ્વારકા-સોમનાથ હાઈ-વે ધોવાતા વાહન વ્યવહાર બંધ
  •   વેરાવળ-પોરબંદર હાઈવેનો કોઝવે તૂટતા 18 ST ફસાઈ

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના તાંડવ વચ્ચે દ્વારકા-સોમનાથ હાઈવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. માંગરોળ તાલુકાના હુસેનાબાદ પાસે નોળી નદી પર આવેલો બ્રિજ ભારે પૂરના કારણે ધોવાઈ ગયો છે. આ ઉપરાંત માંગરોળના અનેક ગામો સંપર્ક વિહોણા છે. નવસારીના ગણદેવી તાલુકામાંથી પસાર થતી અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બંને કાંઠે વહેતી અંબિકા નદીના પુલ ઉપર અમલસાડ તરફ અચાનક મોટું ગાબડું અને તિરાડો દેખાતાં વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. ઘટનાની ગંભીરતાને પગલે માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને પુલ પરનો રોડ તોડીને યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

  • નદીઓ ગાંડીતૂર : ઉભા પાક તણાયા
  • માંગરોળ-કેશોદમાં 40 ઈંચ વરસાદ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને કેશોદ પંથકમાં કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા ૩ દિવસથી સતત ધોધમાર વરસેલા વરસાદને કારણે સમગ્ર પંથક જળબંબાકાર થયું છે અને સ્થાનિક જનજીવન પર તેની વ્યાપક અને ગંભીર અસરો જોવા મળી રહી છે. વરસાદે વિરામ લીધા બાદ પણ પૂરના ધસમસતા પાણી હજુ સુધી ઓસર્યા નથી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારો સહિતના અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. પંથકની નદીઓ ગાંડીતૂર બનીને વહી રહી છે, જેના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અને ખેડૂતોનો ઊભો પાક સંપૂર્ણપણે તણાઈ જતાં ભારે નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.