Loading Please Wait !!!
રાજકોટના ખોરાકમાં ઝેર; 11 પેઢી સીલ

મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગના દરોડાનો દોર યથાવત

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 476 કિલો વાસી ખોરાકનો નાશ

29 વેપારીને 75000નો દંડ વસૂલાયો: ચાર નમૂના લઈ લેબમાં પરીક્ષણ માટે મોકલ્યા

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં નાગરિકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા ભેળસેળિયા તત્વો સામે રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. મંગળવારે આરોગ્ય શાખાની ટીમ દ્વારા શહેરમાં સઘન સર્વેલન્સ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ મેગા ડ્રાઈવ દરમિયાન ૬૪ જેટલી પેઢીઓ અને રેસ્ટોરન્ટમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી, જેમાં મોટા પાયે ગેરરીતિઓ અને ગંદકી સામે આવી છે. ફૂડ વિભાગે કડક કાર્યવાહી કરતા ૪૭૬ Kg વાસી, સડેલો અને અખાધ જથ્થો સ્થળ પર જ નાશ કર્યો હતો.

ઉપરાંત, નિયમોનું ઉલ્લંઘન કરતી ૧૧ પેઢીઓને તાત્કાલિક સીલ મારી દેવામાં આવ્યા છે, જ્યારે ૨૮ પેઢીઓને લાઈસન્સ અને સ્વચ્છતા જાળવવા બાબતે નોટિસ ફટકારવામાં આવી છે. તંત્ર દ્વારા આ કાર્યવાહીમાં કુલ ૭૫૫૦૦ રૂપિયાનો વહીવટી દંડ પણ વસૂલાવામાં આવ્યો છે.

શહેરમાં ચાલી રહેલા આ મોટા ઓપરેશનમાં અનેક નામાંકિત પેઢીઓની પોલ ખુલી છે. નાનામવા રોડ પર આવેલી હાઉસ ઓફ સ્નેક્સ, ઈશ્ચીયા મેઈન રોડ પર આર.બી ફૂડ પ્રોડક્ટ, ભુપેન્દ્ર રોડ પર જય અંબે લાઈવ વેફર્સ, અને ૧૫૦ ફૂટ રિંગ રોડ પર જલારામ ટ્રેડર્સ જેવી પેઢીઓમાં પુષ્કળ ગંદકી, જીવાતનો ઉપદ્રવ અને વાસી ખોરાક મળી આવતા તેમને સીલ કરવામાં આવી છે. આ પેઢીઓમાં પ્રતિબંધિત સિન્થેટિક કલર, દાઝિયું તેલ, સડેલા પપૈયા અને એક્સપાયરી ડેટ વીતી ગયેલી ખાદ્ય સામગ્રીનો બેફામ ઉપયોગ થતો હોવાનું ખુલ્યું હતું.

મવડી વિસ્તારમાં પટેલ ચાઈનીઝ ભેળ અને ઇન્ડિયા રેસ્ટોરન્ટમાં પણ વાસી નોનવેજ અને ચાઈનીઝ ફૂડ મળતા તંત્રએ સીલિંગની કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત, ડેરી અને મીઠાઈની દુકાનો પર પણ ફૂડ વિભાગે તવાઈ બોલાવી હતી. લક્ષ્મી નગર ખાતે આવેલ મહાદેવ પેંડા પેઢીમાંથી ૩૦ Kg વાસી મીઠો માવો જપ્ત કરી નાશ કરાયો હતો અને પેઢી સીલ કરવામાં આવી હતી.

દૂધ અને પનીરના વેચાણમાં થતી ભેળસેળ અટકાવવા ‘મિલ્ડ ચેકિંગ ડ્રાઈવ’ અંતર્ગત કૈલાશ ડેરી ફાર્મ અને બજરંગ ડેરીમાંથી દૂધના નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ વિભાગની આ કડક કાર્યવાહીથી જાણી-પીણીના વ્યવસાય સાથે સંકળાયેલા અને લોકોના આરોગ્ય સાથે રમત રમતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.