રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષમાં રક્ષા સંદેશ: પંચ પરિવર્તનથી રાષ્ટ્ર નિર્માણનું આહ્વાન
રક્ષાબંધન નિમિત્તે સમાજમાં સંગઠન, સમરસતા અને રાષ્ટ્રભાવના મજબૂત બનાવવાનો સંદેશ
સિટી ન્યૂઝ@રાજકોટ
"રાષ્ટ્ર પ્રથમ" ની ભાવના સાથે સમાજને સંગઠિત કરવાના ઉમદા ધ્યેય સાથે કાર્યરત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) તેના ગૌરવશાળી ૧૦૦ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ ઐતિહાસિક અવસર અને રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે, રાજકોટ મહાનગર દ્વારા સમાજના અગ્રણીઓ અને નાગરિકોને એક વિશેષ 'રક્ષા સંદેશ' પાઠવવામાં આવ્યો છે. આ પત્ર દ્વારા સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘચાલક શ્રી મુકેશ મલકાન અને રાજકોટ મહાનગરના સંઘચાલક ડૉ. જીતેન્દ્ર અમલાણીએ નાગરિકોને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે અને સાથે જ સમાજ તથા રાષ્ટ્રની રક્ષા કાજે સંગઠિત થઈને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો છે.
સંઘ દ્વારા શતાબ્દી વર્ષ નિમિત્તે અગ્રણીઓના માર્ગદર્શન અને સમાજના સહયોગથી મુખ્યત્વે પાંચ પ્રકારના પરિવર્તનો લાવવા માટે વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ 'પંચ પરિવર્તન'માં આપણી પરંપરાગત કુટુંબ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવી, પર્યાવરણના સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ કેળવવી અને ભારત દેશના નાગરિક તરીકેની ફરજો પ્રત્યે સભાનતા લાવવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભારતીય રીત-રિવાજો અને સંસ્કૃતિને અનુરૂપ જીવનશૈલી અપનાવવા તેમજ સમાજમાં વ્યાપ્ત આંતરિક ભેદભાવોને નાબૂદ કરી એક સમરસ સમાજનું નિર્માણ કરવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
સમસ્ત સમાજને સમરસ અને ભેદભાવમુક્ત બનાવવાના હેતુથી ભૂતકાળમાં અનેક સંતો અને સમાજના અગ્રણીઓએ કરેલા ભગીરથ પ્રયાસોને સૌ સાથે મળીને આગળ ધપાવશે તેવો શ્રેષ્ઠ વિશ્વાસ આ સંદેશમાં વ્યક્ત કરવામાં આવ્યો છે. રક્ષાબંધનના આ પાવન પર્વ માત્ર વ્યક્તિગત રક્ષા પૂરતું સીમિત ન રહેતા, સમગ્ર સમાજ અને રાષ્ટ્રની રક્ષા માટે સૌએ એકજૂથ થવાની આવશ્યકતા છે. અંતમાં 'ભારત માતા કી જય' ના ઉદ્ઘોષ સાથે અપાયેલો આ રક્ષા સંદેશ સમાજમાં એક નવી ચેતના, સંગઠન ભાવના અને રાષ્ટ્રભક્તિનો સંચાર કરે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.