Loading Please Wait !!!
શ્રાવણ માસમાં સોમનાથ ખાતે 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન

» માત્ર રૂ. 51માં યજ્ઞનો લાભ; સોમનાથ આવનાર કોઈપણ ભાવિક પૂજાના પુણ્યથી વંચિત નહીં રહે

 સિટી ન્યૂઝ@રવિ ખપ્પર-ગીર સોમનાથ

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞ અનુષ્ઠાન યોજાશે, જેથી કોઈપણ ભાવિક પૂજાના પુણ્ય લાભથી વંચિત ન રહે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ શ્રાવણ શરૂ થવાના એક મહિના પહેલા જ સમગ્ર માસની પાપ પૂજા, છેલ્લી ધ્વજા પૂજા અને મોટી સંખ્યામાં સોમેશ્વર પૂજનનું બુકિંગ પૂરા થઈ ગયું છે. તેથી સામાન્ય ભાવિકોને પણ પૂજાનો લાભ મળી રહે તે હેતુથી આ વિશેષ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

ભક્તો માત્ર રૂ. 51ના નામમાત્રના શુલ્કમાં યજ્ઞમાં નોંધણી કરાવી શકશે. યજ્ઞ દરમિયાન મહામૃત્યુંજય મંત્રની 11 આહુતિઓ અર્પણ કરવામાં આવશે. જરૂરી હવન સામગ્રી ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવશે. યજ્ઞ માટે મંદિરની સ્વાગત કક્ષ, મંદિર પરિસરના કાઉન્ટર તેમજ ટ્રસ્ટની સત્તાવાર વેબસાઈટ somnath.org પરથી બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરાશે. દિવસ દરમિયાન કુલ 6 સ્લોટમાં યજ્ઞ યોજાશે. મંદિર પરિસરમાં દક્ષિણ દ્વાર, બાણસ્તંભ અને શો પેવેલિયન નજીક વિશાળ યજ્ઞ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. યજ્ઞમાં પરંપરાગત ધોતીનો પહેરવેશ ફરજિયાત રહેશે અને ટ્રસ્ટ દ્વારા ધોતીની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

ટ્રસ્ટ જણાવે છે કે આ પૌરાણિક માન્યતા અનુસાર સોમનાથની ભૂમિ મહામૃત્યુંજય મંત્રની સિદ્ધ ભૂમિ છે, જ્યાં ચંદ્રદેવે મહામૃત્યુંજય મંત્રના જાપથી ભગવાન શિવનું વરદાન પ્રાપ્ત કર્યું હતું. ટ્રસ્ટે તમામ શિવભક્તોને શ્રાવણ માસ દરમિયાન મહામૃત્યુંજય મહાયજ્ઞમાં જોડાઈ ભક્તિ અને પુણ્યનો લાભ લેવા આહ્વાન કર્યું છે.